આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં તાજેતરમાં મળેલી એક બેઠકમાં તેમણે રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં કુલ 24 જેટલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (P.H.C)ને સૈધ્ધાંતિક મંજૂરી આપી છે. ભારત સરકારના નિયત માપદંડો પ્રમાણે હાલ રાજ્યમાં 2011 ની ગ્રામ્ય વસ્તીના ધારાધોરણો મુજબ કુલ 1499 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પુરતા પ્રમાણમાં મંજુર અને કાર્યરત છે.
રાજ્યના ગ્રામ્ય આરોગ્ય માળખાને વધુ સુદ્રઢ અને લોકઉપયોગી બનાવવા આ કેન્દ્રો મહત્વના બની રહેશે તેમ મંત્રી શ્રી ઋષિકેશ પટેલે કહ્યું હતુ. તેમણે વધુમાં જણાવ્યું હતુ કે, હાલમાં રાજ્યમાં ભારત સરકારના ગ્રામ્ય વસ્તીના ધારાધોરણો મુજબ આરોગ્ય કેન્દ્રો મંજુર કરવામાં આવે છે. જે મુજબ સામાન્ય વિસ્તારમાં ૩૦,૦૦૦ અને આદિજાતિ વિસ્તારમાં 20,000 ની ગ્રામ્ય વસ્તીએ એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મંજુર કરવામાં આવે છે. હાલ રાજ્યમાં 2011 ની ગ્રામ્ય વસ્તીના ધારાધોરણો મુજબ કુલ ૧૪૯૯ પ્રા.આ.કેન્દ્રો પુરતા પ્રમાણમાં મંજુર અને કાર્યરત છે.
હાલ આ પ્રાથમિક કેન્દ્રોની મંજૂરીમાં ભૌગોલિક પરિસ્થિતિને આધારે ઉક્ત વસ્તીના ધારાધોરણો ધ્યાને ન લેતા જીઓ સ્પેશિયલ એનાલિસિસના આધારે આરોગ્ય કેન્દ્રો વચ્ચેના અંતરને ધ્યાને લઈ કુલ ૨૪ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો મંજુર કરવામાં આવેલ છે. જેથી આવા અંતરિયાળ અને દુર્ગમ વિસ્તારમાં આરોગ્ય સેવાઓ સુચારૂ રૂપે પુરી પાડી શકાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ ઓફિસર , લેબોરેટરી ટેકનીશીયન, જુનિયર ફાર્માસિસ્ટ,સીનીયર ક્લાર્ક સહિતના અન્ય સ્ટાફની નિમણૂંક કરાય છે. હાલ જે જગ્યાઓએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની ઘટ છે ત્યાં પ્રાથમિક આરોગ્ય સેવાઓ પહોંચતી કરવામાં સ્થાનિકજનો માટે આ કેન્દ્રો આશીર્વાદરૂપ સાબિત થશે તેમ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યુ હતુ.