– મતગણતરીમાં પૂર્વ પ્રમુખ ધર્મેન્દ્ર ડાભી માત્ર એક મતની પાતળી સરસાઈથી જીતતા શિવભદ્રસિંહ ગોહિલે રિકાઉન્ટિંગ માંગ્યું
– એક મતનો ખેલ : ચીઠ્ઠી નાંખવાની જગ્યાએ બન્ને ઉમેદવારે સહમતી સાધી 6-6 મહિના માટે પ્રમુખ પદની વહેચણી કરી
ભાવનગર : લોકસભા, વિધાનસભાની ચૂંટણીને પણ આંટી મારી તેવી ભાવનગર વકીલ મંડળની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ક્રિમિનલ બાર એસોસિએશનના પ્રમુખ માટે જે હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો તેને લઈ કોર્ટ પરિસરમાં ભારે ઉન્માદ, ઉત્સાહ અને આતૂરતા ચરમસીમાએ પહોંચી ગઈ હતી. માત્ર એક મતની પાતળી સરસાઈથી વિજેતા ઉમેદવારના પ્રતિસ્પર્ધી ઉમેદવારે રિકાઉન્ટિંગની માંગ કરતા વાવાતવરણ વધુ ઉતેજનાતભર્યું બન્યું હતું. આ પણ અધુરૂં હોય તેમ મોડી સાંજે રિકાઉન્ટિંગ પૂરૂ થયા બાદ ક્રિમિનલ બાર એસોસિએશનના પ્રમુખ પદે ટાઈ પડી હતી અને એક મતના ખેલે આખા વર્ષની ટર્મના પ્રમુખ પદને છ-છ મહિનામાં વહેચવા ફરજ પાડી હતી.