શહેરને છેવાડે અડીને આવેલ હાઈવ પર આભવા પાસે એક પેટ્રોલ કાર અચાનક બ્લાસ્ટ સાથે ભડ ભડ સળગવા લાગી હતી અને ગણતરીની મીનીટોમાં કાર ચાલક યાર્ન વેપારી ભડથું થઈ ગયા હતા.
આભવા ગામમાં રહેતા દીપક પટેલ ઘરે ભૂલી ગયેલા મોબાઈલ પરત લેવા જતા ભેદી રીતે કારમાં લાગેલી આગમાં મૃત્યુ પામ્યા હતા. ડુમસના આભવા ગામમાં લાયા ફળિયા ખાતે રહેતા દીપકભાઈ પટેલ યાર્ન સહિતના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. દરમિયાન દીપકભાઈ શુક્રવારે સ્વિફ્ટ કાર લઈ હજીરા એલ એન્ડ ટી કંપની પાસે ચા પીવા માટે નીકળ્યા હતા. ત્યાં પહોંચી મોબાઈલ ઘરે ભૂલી જતા કાર લઈ ઘર તરફ જઈ રહ્યા હતા, ત્યારે અચાનક જ કારમાં આગ લાગી હતી અને કાર લોક થઈ જતા તેઓ બહાર નીકળી શક્યા ન હતા. ગણતરીની મિનિટોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આખી કાર આગની ઝપેટમાં આવી ગઈ હતી.
95 ટકા બોડી સળગી ગઈ હાથના ટેટુ પરથી ઓળખ
ડુમસ પોલીસ દ્વારા કારમાં રહેલ કાર ચાલકના મૃતદેહને જોઈ સ્તબ્ધ થઈ ગયા હતા, કારની આગ એટલી ભયાનક હતી કે, કાર ચાલકનું શરીર બળી ગયા બાદ તેની ઓળખ કરવી અશક્ય હતી. પરંતુ તેમના ડાબા હાથમાં રહેલ દીપ-પુજા નામના ટેટુને આધારે ઓળખ થઈ હતી. જે બાદ પરીવાર જનોને આ મામલાની જાણ પોલીસે કરી હતી.