ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવમાં આજે ખૂબ મોટું ગાબડું પડ્યું છે. 20 કિલો ડુંગળીના ભાવમાં 150થી વધુ રૂપિયાનું ગાબડું પડતા ડુંગળીના ભાવોમાં ઘટાડો જોવા મળ્યો છે. આજે માર્કેટિંગ યાર્ડમાં 38000થી વધુ ગુણી ડુંગળીની આવક થવા પામી હતી, જેમાં ડુંગળીના ભાવ રૂપિયા 200ની આસપાસથી શરૂ થઈને 510ની આસપાસ વેચાઈ હતી.
એક જ દિવસમાં 150 રૂપિયા ઘટી જતાં ખેડૂતોમાં પણ રોષ જોવા મળ્યો
ડુંગળીના ભાવ એક જ દિવસમાં 150 જેટલા ઘટી જતાં ખેડૂતોમાં પણ રોષ જોવા મળ્યો હતો. ખેડૂતોનું કહેવું છે કે એક તરફ વરસાદમાં પાકનો થયેલો નાશ અને બીજી તરફ બિયારણો મોંઘા લાવવા અને ડુંગળીના પાક માટે થતો ખર્ચ પણ હાલના સંજોગોમાં નીકળે તેમ નથી. સરકારે ડુંગળીના યોગ્ય ભાવો મળે એવી વ્યવસ્થા કરવી જોઈએ. ચોમાસું પાકમાં ભાવનગર જિલ્લામાં પુષ્કળ પ્રમાણમાં ડુંગળીનું વાવેતર થયું હતું અને તેની સાથોસાથ કહી શકાય કે જે રીતે વરસાદનું પ્રમાણ પહેલા ખૂબ ઓછું થયા બાદ પાછોતરા વરસાદે ડુંગળીના પાકમાં નુકસાની કરાવી હતી અને તેની સાથોસાથ જોવા જઈએ તો ભાવનગરથી ડુંગળી એક્સપોર્ટ થઈને બાંગ્લાદેશ અને મહારાષ્ટ્ર તેમજ MPમાં જતી હતી.
બાંગ્લાદેશમાં 200થી વધુ ગુણીનું દરરોજ એક્સપોર્ટ થતું
બાંગ્લાદેશમાં 200થી વધુ ગુણીનું દરરોજ એક્સપોર્ટ થતું હતું, જેમાં આજથી બાંગ્લાદેશમાં ડુંગળીની આવક થવા લાગી અને તેની સાથોસાથ મહારાષ્ટ્ર અને MPમાં પણ ડુંગળી આવવા લાગી છે. જેના કારણે માગ ઘટી અને આવક વધી છે એટલે ભાવમાં ઘટાડો થયો હોવાનું વેપારી એસોસિએશનના પ્રમુખે જણાવ્યું હતું. આજ મહુવા માર્કેટિંગ યાર્ડમાં 3 લાખ જેટલી ગુણી ડુંગળી અને ગોંડલ યાર્ડમાં પણ 3 લાખ જેટલી ડુંગળીની આવક થઈ હોવાનું સામે આવ્યું હતું. ભાવનગર યાર્ડમાં પણ 38000થી વધુ ડુંગળીની આવક થઈ હતી.
ડુંગળીના મળી રહેલા સારા ભાવોને લઈ યાર્ડમાં ડુંગળીની મબલખ આવક થવા પામી
આવક વધવાની સાથે ડુંગળીના ભાવોમાં ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના મળી રહેલા સારા ભાવોને લઈ યાર્ડમાં ડુંગળીની મબલખ આવક થવા પામી હતી. ત્યારે અચાનક જ આજ ડુંગળીના ભાવમાં ઘટાડો આવતા ગરીબોની કસ્તુરી હાલ તો ખેડૂતોને રડાવી રહી હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે, ત્યારે ખેડૂતો સરકાર પાસે ડુંગળીના સારા ભાવો મળે એવી આશા રાખી રહ્યા છે.