ભાવનગર મહાનગર પાલિકામાં સ્થાનિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણનો મામલો સામે આવ્યો છે. સમગ્ર ઘટના ભાવનગર શહેરમાં ભાવનગર મનપા દ્વારા મોતીતળાવ અને કુંભારવાડા વિસ્તારમાં દબાણ હટાવવા બાબતે આપેલ નોટિસને લઈ થયો છે. મનપા ખાતે શહેર કોંગ્રેસ સમિતિ અને સ્થાનિક લોકો દ્વારા આવેદનપત્ર અપાયું હતું. જ્યાં સ્થાનિકોનું પોલીસ સાથે ઘર્ષણ થયું હતું.
ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન કરશે કાયદેસરની કાર્યવાહી
ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગૌરીશંકર (બોર તળાવ) તળાવથી લઈ ક્રીક સુધીના ગઢેચી નદીના શુદ્ધિકરણ પ્રોજેક્ટ હાથ ધરાયો છે. જેને સંદર્ભે ક્રીક વિસ્તારમાં આવેલ બોર તળાવ, RTO, કુંભારવાડા વિસ્તારના 800 થી વધુ મકાનોને નોટિસ ઇસ્યુ કરવામાં આવી હતી. 70 કરોડના ખર્ચે સવા ચાર કિલોમીટર ગઢેચી શુદ્ધિકરણના આ પ્રોજેક્ટના પ્રથમ પગથિયે દબાણ ધરાવતા તમામ લોકોને તેમના રહેઠાણના અસલ આધાર પુરાવા તેમજ બાંધકામની મંજૂરી 7 દિવસની અંદર રજૂ કરવા જણાવ્યું હતું . જો તેમ કરવામાં અસમર્થ રહયા તો મનપા કાયદેસરની કાર્યવાહી કરશે. જેના વિરોધમાં આવેદન પત્ર આપવા ભાવનગર મહાનગર પાલિકા ખાતે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.
શહેર કોંગ્રેસ સમિતિ અને સ્થાનિકોએ એકઠા થઇ આપ્યું આવેદન
ગઢેચી નદી શુદ્ધિકરણ પ્રોજેક્ટને લઈ મોતીતળાવ કુંભારવાડાના દબાણ હટાવવાની નોટિસ મનપાએ ઇસ્યુ કરી હતી. આ પ્રોજેક્ટને લીધે ક્રીક વિસ્તારના 800 થી વધુ મકાનો બેઘર થાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. ત્યારે આ નોટિસને પગલે શહેર કોંગ્રેસ અને સ્થાનિકો એકઠા થયા હતા અને આવેદનપત્ર આપ્યું હતું. મનપા કચેરીએ લોકોના ટોળા ઉમટ્યા હતા. જ્યાં પોલીસ અને સ્થાનિકો વચ્ચે મહાનગર પાલિકા પરિસરમાં ઘર્ષણ સર્જાયું હતું.
ક્રિકના 800થી વધુ મકાનોને અપાઇ છે નોટિસ
મનપા દ્વારા ગઢેચી શુદ્ધિકરણને લઈ અત્યાર સુધી ક્રિક વિસ્તારમાં બનેલ 819 થી વધુ મકાનોને નોટિસ આપવામાં આવી હતી. આ સાથે 7 દિવસમાં તેમના મકાનના બાંધકામના અસલ આધાર પુરાવા રજૂ કરવા માટેની મહોલત પણ આપવામાં આવી છે. ત્યારે સૂત્રોથી પ્રાપ્ત વિગતો અનુસાર ભાવનગર મનપાની કાયદેસરની પ્રક્રિયા અને મુદત પૂરી થયા બાદ આવનાર એક મહિનામાં ગેરકાયદે દબાણો પર બુલડોજર ફરે તેવી શક્યતા વ્યક્ત કરાઇ રહી છે.