નિકોલમાં ગંગોત્રી સર્કલથી નવા બનેલા પમ્પિંગ સ્ટેશન સુધી પીવાના પાણીની અને વરસાદી પાણીના નિકાલ માટેની લાઈન નાખવાનું કામ ચાલી રહ્યું છે. ત્યારે સ્થાનિકોએ ફરિયાદ કરતાં જણાવ્યું કે, પાણી અને ગટર લાઈનની જરૂર લાંબા સમયથી જરૂરત છે ત્યારે એમજી રોડ, ખોડિયાર મંદિર રોડ, ગંગોત્રી સર્કલથી પમ્પિંગ સ્ટેશન સુધીનો રોડ માંડ એક વર્ષ પહેલાં જ બન્યો હતો.
આ રોડ પર અગાઉ પણ વરસાદના કારણે પાણી ભરાઈ જવાની ફરિયાદો આવી રહી હતી. ત્યારે નવા જ બનાવેલા રોડ પર નવી સમસ્યા ઉભી થઈ છે. જ્યારે લાખો રૂપિયાના ખર્ચે બનેલો રોડ ખોદાતા પૈસાનું પાણી થઈ રહ્યું છે. સ્થાનિકોનું કહેવું છે કે, જ્યારે તંત્ર કોઈ જગ્યાએ રોડ બનાવે તે સમયે જ દૂરદેશી રાખીને પાણી અને ગટરની લાઈનો નાખવામાં આવે તો છાસવારે રસ્તા ખોદવાની જરૂર ન પડે.
એક તરફ પાણીની લાઈન માટે નિકોલની સ્થાનિક સોસાયટીના પ્રશ્નોનું નિરાકરણ આવી રહ્યું નથી. ત્યાં 15-15 દિવસથી રોડ પર ખોદકામ કરવામાં આવ્યું છે, જેનાથી લોકોની હાલાકીમાં વધારો થઈ રહ્યો છે. આ અંગે સ્થાનિક આગેવાનોએ ફરિયાદ કરતાં જણાવ્યું કે, જેમાં એમજી રોડ ઉપર અક્ષર ફ્લેટ તેમજ સ્વામિનારાયણ રેસીડન્સી ચાર રસ્તા તેમજ એરીસ ચાર રસ્તાથી ખોડિયાર મંદિર રોડ, પંચમ મોલ પાસે જેના સાથે જ ગંગોત્રી સર્કલના આગળના ચાર રસ્તા સહજાનંદ બંગ્લોઝ પાસેના રોડ પર 15 દિવસથી કામ ચાલી રહ્યું છે. જ્યાં વરસાદમાં પણ પાણી ભરાઈ જવાની સમસ્યા રહેતી હોય છે. આ તમામ રોડ છેલ્લા ત્રણ મહિનાથી એક વર્ષની અંદર જ બનાવવામાં આવ્યા છે. જેના કારણે પ્રજાના પૈસાનું ખૂબ મોટું આંધણ થઈ રહ્યું છે. બીજી તરફ રસ્તો ખોદીને ધૂળ અને ડમરી ઉડી રહી છે જેના કારણે લોકોની હેરાનગતિમાં વધારો થાય છે. પણ ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા અધિકારીઓને કોઈપણ પ્રકારની સૂચના આપવામાં આવી રહી નથી. જેના કારણે કામગીરી ટલ્લે ચઢી રહી છે. આ અંગે તાકીદે ધ્યાન આપીને રસ્તા, પાણી અને ગટરની પ્રાથમિક સુવિધા સમયસર પૂર્ણ કરવામાં આવે તેવી લોકોની માગ છે.