તુર્કીની રાજધાની ઈસ્તાંબુલમાં 400 મુસાફરો ખરાબ રીતે ફસાયા હતા. ઇસ્તંબુલથી દિલ્હી અને મુંબઈ આવતી ફ્લાઈટ અચાનક કોઈ કારણ વગર સ્થગિત કરી દેવામાં આવી હતી. બંને વિમાનોએ બીજા દિવસે એટલે કે 12 કલાક બાદ ઈસ્તાંબુલથી ઉડાન ભરી હતી. આ દરમિયાન એરપોર્ટ પર પહોંચેલા દિલ્હી અને મુંબઈ આવતા 400 મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે ઘણા મુસાફરોએ સોશિયલ મીડિયા પર એરલાઇન વિરુદ્ધ પોતાનો ગુસ્સો ઠાલવ્યો છે.
ઈસ્તંબુલથી દિલ્હી જતી ઈન્ડિગોની ફ્લાઈટ નં 6E12 અને ઇસ્તંબુલ મુંબઈ જતી ફ્લાઈટ નં 6E18 બુધવારે રાત્રે ઉપડવાની હતી. પહેલા ફ્લાઇટને ૧ કલાક મોડી કરવામાં આવી. તે પછી ફરી જાહેરાત કરવામાં આવી કે ફ્લાઇટ ૧૨ કલાક પછી એટલે કે બીજા દિવસે બપોરે ઉપડશે. ત્યારે ફ્લાઇટ કેમ મોડી પડી? તેની જાણ મુસાફરોને કરવામાં આવી નહોતી. તો ઈન્ડિગોમાંથી તેમને ન તો ખાવા માટે કંઈ આપવામાં આવ્યું કે ન તો રહેવા માટેની જગ્યા. તમામ મુસાફરો બીજા દિવસ બપોર ૧.૩૦ કલાક સુધી એરપોર્ટ પર બેઠા રહ્યા. આવી સ્થિતિમાં મુસાફરોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.
મુસાફરોએ સોશિયલ મીડિયા પર ઠાલવ્યો.
સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતી વખતે એક મુસાફરે લખ્યું કે ઇસ્તંબુલથી દિલ્હી જતી ઈન્ડિગો 6E ફ્લાઈટના 500 મુસાફરો એરપોર્ટ પર બેઠા હતા. ફ્લાઇટનો વાસ્તવિક ટેક-ઓફ સમય 08:10 વાગ્યાનો હતો. તે બીજા દિવસે બપોરે 1:30 સુધી ફરીથી ડીલે કરવામાં આવી છે. મુસાફરો સાથે વ્યવહાર કરવાની આ શું રીત છે? પોસ્ટ શેર કરતી વખતે બીજા એક મુસાફરે કહ્યું કે, ઈન્ડિગો તરફથી અનેક વાર પૂછવા છતાં કોઈ પ્રતિક્રિયા મળી રહી નથી. શું આ રીતે એરલાઇન ચલાવો છો? ઇંડિગો એરલાઇન દ્વારા કોઈ પ્રત્યુતયર ના અપાતા મુસાફરો રોષે ભરાયા હતા.
ઈન્ડિગોએ સંપર્ક કર્યો ન હતો
ઈન્ડિગો પર સવાલ ઉઠાવતા અન્ય પેસેન્જરે લખ્યું કે, પહેલા ફ્લાઈટને બે વાર ૧-૧ કલાક માટે મોડી કરવામાં આવી હતી. બાદમાં જાણવા મળ્યું કે ફ્લાઇટ ૧૨ કલાક પછી ૧૩.૩૦ એ ઉપડશે. આ સમયગાળા દરમિયાન, ઈન્ડિગોએ મુસાફરો માટે રહેવાની કે ભોજન જેવી કોઈ વ્યવસ્થા પર ધ્યાન આપ્યું ન હતું. ઉપરાંત ઈન્ડિગોના સ્ટાફ દ્વારા મુસાફરો સાથે કોઈ ચર્ચા કરવામાં આવી ન હતી.
અસુવિધા બાદ ઈન્ડિગોએ સ્પષ્ટતા આપી હતી
ઈન્ડિગોએ શુક્રવારે રાત્રે મુસાફરોનો ગુસ્સો જોઈને આ મામલે મૌન તોડ્યું હતું. ઈન્ડિગોએ જણાવ્યું હતું કે ટેકનિકલ ખામીને કારણે ઇસ્તંબુલથી મુંબઈ અને દિલ્હીની ફ્લાઈટ્સ મોડી પડી હતી. અમે મુસાફરોને નાસ્તો અને રહેવાની વ્યવસ્થા પૂરી પાડવા માટે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કર્યા. મુસાફરોને પડેલી અસુવિધા બદલ અમે દિલગીર છીએ.