ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં 46 વર્ષ બાદ આજે શિવમંદિર ખોલવામાં આવ્યું છે.. આ મંદિરમાં શિવલિંગ છે અને હનુમાનજીની મૂર્તિ બિરાજમાન છે. ત્યારે 46 વર્ષ બાદ આજે પહેલીવાર સવારની આરતી કરવામાં આવી હતી. શનિવારે જિલ્લા પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલા ગેરકાયદેસર દબાણ વિરોધી ઓપરેશન દરમિયાન આ મંદિર મળી આવ્યું હતું.
સીસીટીવીથી સજ્જ મંદિર
14 ડિસેમ્બરે ફરી ખુલેલા મંદિરની બહાર પોલીસ સુરક્ષા તૈનાત કરવામાં આવી છે. મંદિર પરિસરની સફાઈ અને વીજળીની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે.
મુસ્લિમ વસ્તી ધરાવતા વિસ્તારમાં મંદિર ખુલ્યું
સંભલના મુસ્લિમ પ્રભુત્વ ધરાવતા વિસ્તાર ખગ્ગુ સરાઈમાં 46 વર્ષથી બંધ મંદિર મળી આવ્યું હતું. શનિવારે ડીએમ અને એસપીએ તેમની દેખરેખ હેઠળ મંદિરના દરવાજા ખોલાયા હતા. ASP શ્રીશચંદ્ર અને CO અનુજ ચૌધરીએ પોતાના હાથે મંદિરની સફાઈ કરી હતી. આ પછી મંદિર પરિસરમાં બનેલો કૂવો પણ ખોદવામાં આવ્યો હતો, જે મંદિર બંધ થયા બાદ ભરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ આ મંદિર 1978માં રમખાણોને કારણે હિંદુઓના હિજરત બાદ બંધ કરવામાં આવ્યું હતું. ડીએમ ડો.રાજેન્દ્ર પાંસિયાએ જણાવ્યું કે માહિતી મળી હતી કે ખગ્ગુ સરાય વિસ્તારમાં એક પ્રાચીન મંદિર છે.
પહેલા રહેતા હતા હિંદુ પરિવાર
આ વિસ્તારના લોકોનું કહેવું છે કે 1978 પહેલા ખગ્ગુ સરાઈમાં 40 હિન્દુ (રસ્તોગી) પરિવારો રહેતા હતા.1978 ના રમખાણો પછી હિન્દુ પરિવારો તેમના ઘરો વેચીને અન્ય વિસ્તારોમાં રહેવા જતા રહ્યા પરંતુ આ પરિવારોના ધંધા આ વિસ્તારની આસપાસ જ છે. આ પરિવારો પાસે એક પ્રાચીન શિવ મંદિર છે, જેની લાંબા સમયથી દેખરેખ કરવામાં આવી ન હતી.
વિષ્ણુ શરણ રસ્તોગી (82)એ જણાવ્યું કે તેમનું પૈતૃક ઘર અહીં હતું અને તેમના પરિવારના સભ્યો જ મંદિરમાં પૂજા કરતા હતા. જ્યારે મકાન વેચી દેવામાં આવ્યું ત્યારે તેની કાળજી લેવામાં આવી શકી ન હતી. હવે પ્રશાસને આ મંદિરને ફરી વસાવી દીધું છે. ઘણા લોકોએ સાંજે મંદિરમાં પૂજા પણ કરી હતી.
આ અંગે સંભલના ડીએમએ જણાવ્યું હતું કે અમને માહિતી મળી હતી કે મંદિર બંધ છે. મંદિર ઘણું જૂનું છે. સફાઈ કરવામાં આવી છે. કૂવો પણ ખોદવામાં આવ્યો છે. મંદિર કેટલું જૂનું છે તેની પણ તપાસ કરવામાં આવશે. સંભલના લુપ્ત થઈ ગયેલા મંદિરો અને કુવાઓના નવીનીકરણની પહેલ કરવામાં આવી છે.