અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલ રીંગ રોડ પર પાંજરાપોળ ચાર રસ્તાથી વસ્ત્રાલ ચાર રસ્તા પર ભારે વાહનોની અવરજવરથી રાત્રે 10:30 વાગ્યાની આજુ બાજુ ટ્રાફિક જામના દ્રશ્યો રોજ જોવા મળે છે.પાંજરાપોળ ચાર રસ્તાનો કટ બંધ કરવાથી આ ટ્રાફિકની લાઈન પાંજરાપોળ ચાર રસ્તાને ક્રોસ કરી રોયલ હોટલ સુધી લંબાઈ છે જેના કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે,આસપાસના સ્થાનિકો એ હદે કંટાળી ગયા છે કે પોલીસ પણ ટ્રાફિક દૂર કરવા માટે કંઈ કરી શકતી નથી.
રીંગરોડ પર ભારે ટ્રાફિક
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં એટલે કે વસ્ત્રાલમાં રોજ સાંજે ભારે ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે,રોડ પર ટ્રાફિક પોલીસે બે રોડની કટ બંધ કરી દેતા આ પરિસ્થિતિનું સર્જન થયું છે,આ ટ્રાફિક એટલી હદે થાય છે કે અંદર કોઈ એમ્બ્યુલન્સ ફસાઈ હોય છે તો તેને પણ બહાર નીકળવાની જગ્યા મળતી નથી તો ભારે વાહનો હોવાથી બે-ત્રણ કિમી સુધી ટ્રાફિકની સમસ્યા સર્જાય છે,સ્થાનિકોને પણ કટ બંધ હોવાથી બે-ત્રણ કિમી ફરીને જવાનો વારો આવ્યો છે,ટ્રાફિક પોલીસના પીઆઈ તેમજ ડીસીપી સાહેબ જરા આ સમસ્યાનું નિરાકરણ લાવો તો શહેરીજનોના આશીર્વાદ મળશે અને ટ્રાફિકની સમસ્યા થોડી હલ થશે.
પાંજરાપોળ ચાર રસ્તાનો કટ બંધ
સ્થાનિક સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે વાત કરવામાં આવે તો રોજ સાંજના 7 થી રાતના 10 વાગ્યા સુધી આવી જ રીતે ટ્રાફિક જામ સર્જાય છે જેના કારણે ઓફીસથી છૂટીને ઘરે જતા લોકોને એક-એક કલાક સુધી ટ્રાફિકમાં ફસાઈને રહેવું પડે છે સાથે સાથે જે લોકો પાસે કાર છે તે લોકોને તો એક કલાક કરતા વધારે સમય સુધી ટ્રાફિકની બહાર નીકળતા લાગે છે,પોલીસમાં ફરજ બજાવતા ટ્રાફિકના કોન્સ્ટેબલો પણ આ સમસ્યાથી કંટાળી ગયા છે પરંતુ અધિકારીઓએ રોડની કટ બંધ કરી દીધી તેના કારણે આ પરિસ્થિતિનું સર્જન થાય છે,ત્યારે વસ્ત્રાલના સ્થાનિકોનું કહેવું છે કે રોડ પર તો ટ્રાફિક સર્જાય છે પરંતુ લોકો ટ્રાફિકથી બચવા સર્વિસ રોડ પર ઘુસી જાય છે જેના કારણે પણ ટ્રાફિક સર્જાય છે.
કેવી રીતે AI ડેશકેમથી વાહન ચાલકને મળશે મેમો?
અમદાવાદ શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા 32 વ્હીકલમાં તેમજ 28 પોલીસ કોન્સ્ટેબલોને મૂવિંગ ડેશ કેમ ફાળવવામાં આવ્યા છે. આ તમામ ડેશ કેમ AI બેઝ્ડ કામ કરે છે. જ્યારે AI ડેશ કેમથી સજ્જ વાહન ચાલશે ત્યારે તેમાં લાઈવ રેકોર્ડિંગ ચાલતું હશે. દરમિયાન રોડ પર હેલ્મેટ વિના જતા, જોખમી રીતે વાહન ચલાવતા કે સીટ બેલ્ટ વગર વાહન ચલાવતા ચાલકોને કેપ્ચર કરીને તેનો ફોટો પોલીસ કન્ટ્રોલ રૂમને મોકલશે. જ્યાંથી ટ્રાફિક ઉલ્લંઘનની ખરાઈ કર્યા બાદ વાહન ચાલકને મેમો આપવામાં આવશે.