રામોલમાં શુક્રવારે રાત્રે બે મિત્રો કામઅર્થે એકટીવા પર જતા હતા ત્યારે સુરેલીયા એસ્ટેટ પાસે પહોચ્યા તે સમયે એક શખ્સ હાથમાં છરો લઈને રાહદારી અને વાહનચાલકોને રોકીને ધમકાવી રહ્યો હતો. જેથી બંને મિત્રોએ એકટીવા ધીમું પાડીને ઉભા રહ્યા હતા. ત્યારે આરોપી હાથમાં છરો લઈને તેમની સામે દોડવા લાગતા બંને મિત્રો એકટીવા મુકીને ભાગવા જતા હતા.
જેમાં એક મિત્ર દોડી ના શકતા શખ્સે છરા ના ઘા મારીને યુવકની હત્યા કરીને ફરાર થઇ ગયો હતો. આસપાસના લોકોએ ભેગા થઈને યુવકને હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં સારવાર દરમ્યાન યુવકનું મોત નીપજ્યુ હતુ. આ અંગે રામોલ પોલીસે શખ્સ સામે હત્યાનો ગુનો નોધીને તેની ધરપકડ કરી લીધી છે. આરોપી વર્ષ 2022થી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે.અમરાઇવાડીમાં રહેતા ભરતભાઇ મારૂ મશીનરીનું કારખાનું ધરાવી ધંધો કરે છે. જેમાં શુક્રવારે તેઓ મિત્ર રાજેશ કેસરીસિંગ રાઠોડ એક્ટિવા પર સુરેલીયા એસ્ટેટ નજીક આર.કે.એસ્ટેટ પાસેથી પસાર થતા હતા. ત્યારે કુખ્યાત અક્ષય ઉર્ફે ભૂરિયો હાથમાં છરી લઈને કારણ વગર ધાક જમાવવા રાહદારી અને વાહન ચાલકોને રોકીને ઉભો રાખતો અને ધમકાવતો હતો. જેથી ગભરાઈને ભરતભાઈ તેમનું એકટીવા ધીમું કર્યું અને ઉભું રાખતા અક્ષય ઉર્ફે ભૂરિયો ભરતભાઈ તરફ આવતા તેમણે એકટીવા છોડી દીધું અને ભાગવા લાગ્યા હતા. આ દરમિયાન ભરતભાઈ મારું એક દુકાનમાં જતા રહ્યા પરંતુ તેમના મિત્ર રાજેશ રાઠોડ ભાગવા જતા જમીન પર પડયો હતો. જેથી અક્ષય રાજેશભાઇને પગમાં છરાનો એક ઘા માર્યો હતો. બાદમાં અક્ષય ત્યાંથી નાસી ગયો હતો. ત્યારબાદ ઘાયલ રાજેશભાઈને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. આઅંગે રામોલ પોલીસે અક્ષય સામે હત્યાનો ગુનો નોંધીને તેની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે, સ્થાનિક પોલીસની ઢીલી પકડના લીધે ટપોરીઓ બેફામ બન્યા છે.