સુરેન્દ્રનગર જિલ્લામાં ગત વર્ષે ચોમાસામાં અતીવૃષ્ટી બાદ પાક નુકશાન અને સહાયની રકમ ન મળતા ખેડૂતોની માઠી બેઠી છે. સામાન્ય રીતે દિવાળી બાદ જ રવી પાકનું વાવેતર ખેડૂતો કરતા થઈ જાય છે. ત્યારે આ વર્ષે હજુ ધીમે ધીમે વાવેતર ખેડૂતો કરી રહ્યા છે.
હાલની સ્થિતિએ રવી પાકનું વાવેતર ગત વર્ષની સરખામણીએ 50 ટકા કરતા પણ ઓછુ છે. તા. 14મી ડિસેમ્બર સુધી ગત વર્ષના કુલ વાવેતર 2,31,432 હેકટરની સામે આ વર્ષે 1,11,841 હેકટર જમીનમાં રવી પાકનું વાવેતર થયુ છે. ઝાલાવાડના મુખ્ય પાક ગણાતા એવા જીરૂ, વરિયાળી, ચણા, ઘઉંના વાવેતરમાં હાલ ઘટાડો જોવા મળી રહ્યો છે.
સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો ચોમાસામાં કોઈ વાર અતીવૃષ્ટી તો કોઈવાર અનાવૃષ્ટીનો ભોગ બને છે. ગત ચોમાસામાં આવેલ અતીશય વરસાદને લીધે ખેતી પાકો ધોવાયા હતા. તંત્રએ સર્વેના નામે ધતીંગ કર્યા બાદ સહાય ચૂકવવામાં પણ અખાડા કર્યા છે. ખેડુતોને પુરતી સહાય મળી નથી. મસમોટી સહાયની જાહેરાતો સામે સામાન્ય રકમ ખેડૂતોને મળતા ખેડૂતોના હાલ બેહાલ થયા છે. જેની સીધી અસર રવી પાકના વાવેતર પર પડી છે. સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો છેલ્લા થોડા સમયથી આધુનીક ખેતી તરફ વળી રહ્યા છે. વર્ષો પહેલા ઝાલાવાડમાં શિયાળાના સમયે પરંપરાગત ઘઉં અને ચણાનું વિપુલ પ્રમાણમાં વાવેતર થતુ હતુ. પરંતુ છેલ્લા અમુક વર્ષોથી આ ટ્રેન્ડ બદલાયો છે. ઝાલાવાડના ખેડૂતો હવે ઘઉં અને ચણાના બદલે સારા ભાવ મળતા હોય તેવા પાકો જીરૂ અને વરિયાળીના વાવેતર તરફ વધ્યા છે. ઉત્પાદન બાદ જીરૂ અને વરિયાળીના ભાવ પણ બજારમાં સારા આવતા હોવાથી ખેડૂતોને આર્થીક રીતે પણ ફાયદો રહે છે. તેમ છતાં હાલની સ્થિતિએ જોઈએ તો ગત વર્ષના 2,31,432 હેકટરની સામે અત્યાર સુધીમાં 1,11,841 હેકટરમાં જ રવી વાવેતર થયુ છે. જે ગત વર્ષના 50 ટકા કરતા પણ ઓછુ છે. જોકે, આગામી દિવસોમાં રવી વાવેતર વધવાની શકયતા દેખાઈ રહી છે. જેમાં ખાસ કરીને જીરૂ અને વરિયાળીનું વાવેતર વધશે.
કેનાલના પાણી અને અનિયમિત વીજળીથી ખેડૂતો પરેશાન
જિલ્લા ગ્રામ્યના ખેડૂતોના જણાવાયા મુજબ શીયાળુ વાવેતર ઓછુ થવાના કારણોમાં મુખ્ય કારણ પાણીની ઉપલબ્ધતા માનવામાં આવે છે. ઝાલાવાડમાંથી પસાર થતી કેનાલોમાં પાણી ભરપુર હોય છે. પરંતુ સરકાર તેમાંથી સીંચાઈ માટે પાણી છોડે તેની ખેડુતો રાહ જોતા હોય છે. અમુક તાલુકાના ખેડૂતો પાસે કુવા અને બોરની પણ સુવીધા છે. ત્યારે ખાસ કરીને ધ્રાંગધ્રા જેવા તાલુકામાં વિપુલ પ્રમાણમાં રવી પાકનું વાવેતર થયુ છે. જયારે કેનાલ પાણી ઉપરાંત ખેતી માટે અપાતી અનીયમીત વીજળી પણ વાવેતર ઘટવાનું મુખ્ય કારણ છે.
ધાણાના કુલ વાવેતરમાંથી 96 ટકા માત્ર ધ્રાંગધ્રામાં
સુરેન્દ્રનગર જિલ્લામાં ધાણાનું વાવેતર અત્યાર સુધીમાં 9,574 હેકટરમાં થયુ છે. જેમાંથી 96 ટકા કરતા વધુ એટલે કે, 9,204 હેકટર માત્ર ધ્રાંગધ્રા તાલુકામાં થયુ છે. જયારે બાકીના તાલુકાઓમાં લખતરમાં 142, વઢવાણમાં 210, લીંબડીમાં 16 હેકટરમાં ધાણાનું વાવેતર થયુ છે.