શાહીબાગ સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં આવેલી યુ.એન.મહેતા હોસ્પિટલના ગેટ પાસે ફૂટપાથ પરથી બે પિસ્ટલ, છ કારતૂસ સાથે એટીએસએ બે આરોપીને ઝડપી લીધા હતા. પોલીસ તપાસમાં આરોપીએ જણાવ્યું હતું કે, ભાઈની હત્યાનો બદલો લેવા માટે તેઓ હથિયાર લઈને ફરતા હતા.
પકડાયેલા બંને આરોપીઓ સામે સાતથી વધુ ગુનાઓ નોંધાયેલા છે. એટીએસની ટીમે બાતમી આધારે વોચ ગોઠવીને મુનાફ અયુબભાઈ માકડ (ઉં.34) રહે, બોટાદ મુસ્લીમ સોસાયટી અને તૌસિફ ભિખા ખલિયાણી (ઉં.23)રહે,મોહમદનગર, બોટાદની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં ખૂલેલી વિગત મુજબ મુનાફ અગાઉ હત્યાનો પ્રયાસ સહિત આઠ જેટલા ગંભીર ગુનામાં સંડોવાયેલો છે. જ્યારે આરોપી તૌસિફ પણ સાત જેટલા ગુનામાં સંડોવાયેલો છે. મુનાફ માકડના ભાઈ મોહસીન માકડની બે વર્ષ પહેલા સિરાજ ડોન અને અફઝલ નામના શખ્સોએ ફાયરિંગ કરી હત્યા કરી હતી. આ હુમલામાં મુનાફને પણ છરીના ઘા વાગ્યા હતા. આ બનાવને પગલે ભાઈની હત્યાનો બદલો લેવા માટે મુનાફ અને તેનો મિત્ર દેશી પિસ્ટલ સહિતના હથિયારો સાથે રાખતા હતા. પોલીસને બંને આરોપી પાસેથી એક-એક દેશી પિસ્ટલ તેમજ છ રાઉન્ડ કારતૂસ મળી આવતા તેઓ સામે આર્મ્સ એક્ટ મુજબ ગુનો દાખલ કરી કાર્યવાહી કરવામાં આવી છે.