મહાનગર બનાવવાનો દાવો ફોગટ, શહેરમાં ઠેર ઠેર ઊભરાતી ગટરોની સમસ્યા, રજૂઆતો કરવા છતાં પણ કોન્ટ્રાક્ટરો સત્તાધીશોને ગાંઠતા નથી
મહેસાણા ખાતે કર્મયોગી આત્મારામ કાકા માર્ગથી હૈદરી ચોક વચ્ચે પાંચ બંગલા વિસ્તારના પ્રસિધ્ધ વિસ્તારમાં હાલમાં ગટરના પાણી રોડ ઉપર રેલાઈ રહ્યા છે. કલેકટર, જ્જ બંગલો સહિતનાં પાંચ બંગલાના રહેઠાણો વચ્ચે ગટરના વહેતા આ પાણીના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન છે. આ રોડ ઉપરથી નજીકમાં આવેલા સાર્વજનિક, ટી.જે. અને ધી ન્યૂ પ્રોગ્રેસિવ હાઈસ્કૂલના હજારો વિદ્યાર્થીઓ પણ પસાર થાય છે. પરંતુ, આ ઉચ્ચ અધિકારીઓના રહેઠાણ સામે ઉભરાતી પાણીની પાઈપ લાઈનોની મરામત કરવામાં મહેસાણા નગર પાલિકાનું વહીવટી તંત્ર ઉણું ઉતર્યું છે અને ઉચ્ચ અધિકારીઓની શેહ શરમ પણ રહી નથી.
પાણી રેલાવાની આ ઘટના પાંચ બંગલા વિસ્તારની જ નથી. પરંતુ, સમગ્ર શહેરી વિસ્તારના રાજમાર્ગો ઉપર ગટરો ઉભરાઈ રહી છે અને રોગચાળો ફેલાય તેવી દહેશતથી શહેરીજનો દહેશત અનુભવી રહ્યા છે. ઉભરાતી ગટરો અંગે પાલિકામાં વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પણ પરિણામ શૂન્ય છે. નાગલપુર વિસ્તારની હાલત પણ ખરાબ છે. પાલિકાના સફાઈ કોન્ટ્રાકટરો સત્તાધિશો અને અધિકારીઓને ગાંઠતા ન હોઈ તેવો માહોલ ઉભો થયો છે. મહેસાણાને મહાનગર બનાવવાના દાવા વચ્ચે વરસાદી પાણી અને ગટરની ગંદકી ઉલેચવાની વ્યવસ્થા ઉભી કરવા માંગણી બળવત્તર બની છે.