બનાસકાંઠામાં ડીસા અને ધાનેરાના ધારાસભ્ય સહિત ભાજપના નેતાઓનો તાયફો સામે આવતા ખેડૂતોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. થરાદથી સીપુ સુધીની કાર્યરત પાઈપલાઈન થકી સીપુ કેનાલમાં પાણી છોડાતા જિલ્લા ભાજપ પ્રમુખ કિર્તીસિંહજી વાઘેલા સહિત ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી અને ધાનેરા ધારાસભ્ય માવજી દેસાઈની ઉપસ્થિતિમાં ઢોલ નગારા સાથે ઉત્સાહભેર પાણીના વધામણા કર્યા હતા.
નેતાઓની ઉપસ્થિતિમાં નર્મદા નીરના વધામણા કરવામાં આવ્યા હતા
જો કે ભાજપના આગેવાનો ઘરે પહોંચે તે અગાઉ જ નહેરનું પાણી બંધ કરતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે અને નેતાઓના તાયફઓને લઈને ખેડૂતો તેમની સામે આક્રોશ વ્યક્ત કરી પાણીની માગ કરી રહ્યા છે. સીપુ ડેમના નિચાણવાળા અને ડીસા તાલુકાના 25 જેટલા ગામોમાં પાણીના તળ સતત ઊંડા જતા ખેડૂતોને ખેતી માટે પિયત વ્યવસ્થા મળતી ન હતી. આથી સરકાર દ્વારા થરાદથી સીપુ ડેમ સુધી પાઈપલાઈન થકી સીપુ કેનાલમાં પાણી નાખવાની કરોડો રૂપિયાની યોજના મંજૂર કરવામાં આવી હતી અને પાઈપલાઈનની કામગીરી પૂર્ણ થતાં 4 દિવસ પહેલા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહજી વાઘેલાના હસ્તે તેમજ ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી અને ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈ, પૂર્વ ધારાસભ્ય ગોવા દેસાઈ સહિત જિલ્લા ભાજપના આગેવાનોની વિશેષ ઉપસ્થિતિમાં નર્મદા નીરના વધામણા કરવામાં આવ્યા હતા.
સરકારના કરોડો રૂપિયા પાણીમાં ન જાય તે માટે તાત્કાલિક પાણી છોડાય તેવી માગ
ભાજપના આગેવાનોએ માર્ચ મહિના સુધી ખેડૂતોને શિયાળુ પાક માટે પુરતા પ્રમાણમાં પાણી મળશે તેવા મોટા મોટા વાયદાઓ કર્યા હતા. જો કે ભાજપના આગેવાનો પાણીના વધામણા કરી ઘરે પહોંચે તે અગાઉ જ પાઈપલાઈન દ્વારા ચાલુ કરવામાં આવેલું પાણી બંધ કરી દેવામાં આવતા ખેડૂતોમાં ભારે રોષ ભભુકી ઉઠ્યો છે. નેતાઓએ પાણીના વધામણાં કર્યા અને ઘરે ગયા અને પાણી પણ જતું રહેતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોનો પાક સૂકવવાની સ્થિતિ ઉભી થતા ખેડૂતો નેતાઓ સામે રોષ ઠાલવી રહ્યા છે અને સરકારના કરોડો રૂપિયા પાણીમાં ન જાય તે માટે તાત્કાલિક પાણી છોડાય તેવી માગ કરી રહ્યા છે અને નેતાઓ ખોટા તાયફાઓ બંધ કરીને ખેડૂતો માટે કામ કરે અને ખેડૂતોને પરેશાન ન કરે તેવુ કહી રહ્યા છે.