પામ ઓઈલના વધેલા ભાવો વચ્ચે ફાસ્ટ મૂવિંગ કન્ઝયૂમર ગુડ્ઝ (એફએમસીજી) કંપનીઓ મોંઘવારી કે પ્રોડક્ટ્ મોંઘી થયાની ચર્ચા ન થાય માટે હાલ વપરાશકારોને ભાવ વધારાના ધીમા ડામ આપી રહી છે. કંપનીઓના નવા કીમિયા વચ્ચે દૈનિક વપરાશની વસ્તુઓ ચૂપચાપ પાંચ ટકાથી સાત ટકા મોંઘી કરી દેવાઈ છે. ત્યારે જો પામ ઓઈલ સહિતની કાચી સામગ્રીના ભાવમાં ઘટાડો નહીં થાય તો ચાલુ નાણાંકીય વર્ષના ચોથા કવાર્ટરમાં આવી કંપનીઓ કોઈપણ શરમ વિના ગ્રાહકો પર તીવ્ર ભાવ વધારો લાગુ કરી શકે છે, એમ નિષ્ણાતોએ જણાવ્યું છે. ફાસ્ટ મૂવિંગ કન્ઝયૂમર ગુડ્ઝ (એફએમસીજી) કંપનીઓ દ્વારા પોતાની પ્રોડક્ટ્ પર ભાવ વધારો લાગુ કરવામાં આવી રહ્યો છે. અલબત્ત સંપૂર્ણ પણે ભાવ વધારો ગ્રાહકો પર લાદવામાં આવી રહ્યો નથી, તેવો દાવો કરવામાં આવ્યો હતો. એફએમસીજી ગ્રાહકો પર સંપૂર્ણ ભાવ વધારો લાગુ નહીં કરતી હોવાનું એક કારણ એ પણ છે કે, શહેરી માંગ સ્થિર છે ત્યારે ગ્રામીણ બજારોમાં ફરી હલચલ જોવા મળી રહી છે.
જ્યાં ખાદ્ય તેલ કંપનીઓ સામાન્ય રીતે કિંમતોમાં વૃદ્ધિ-ઘટાડાનો બોજ પાંચથી પંદર દિવસના વિલંબ સાથે ગ્રાહકો પર નાંખે છે, જેનો આધાર જથ્થા પર રહેલો હોય છે, ત્યાં પેકેજ્ડ ફૂડ કંપનીઓ માંગને નુકસાન ન થાય તે રીતે કિંમતોમાં મધ્યમ-સિંગલ ડિજિટમાં વૃદ્ધિ કરે છે. બ્રિટાનિયા ઈન્ડસ્ટ્રીઝે જણાવ્યું હતું કે, અમે પહેલાથી જ કેટલોક ભાવ વધારો લાગુ કરી દીધો છે. ત્યારે અમે ત્રીજા અને ચોથા કવાર્ટર વચ્ચે ત્રણ ટકાથી પાંચ ટકાનો ભાવ વધારો જોઈ રહ્યાં છીએ. અમુક પર ડિસેમ્બરમાં જ અમલ કરી દેવામાં આવ્યો છે. પણ મોટાભાગનો ભાવ વધારો ચોથા કવાર્ટરમાં લાગુ થશે. કેમ કે, અમે હજુ પામ ઓઈલના ભાવમાં રિવર્સ ટ્રેન્ડ મામલે થોભો અને રાહ જુઓની નીતિ હેઠળ વ્યૂહ બનાવી રહ્યાં છે. ત્યારબાદ ભાવ વધારા અંગે કોઈ નિર્ણય લેવામાં આવશે. પણ આ માર્કેટમાં લીડર હોવાથી કેટલોક ભાવ વધારો લાગુ કરવો પડશે. કંપની તરીકે અમે જાગૃત છીએ માટે અમે નથી ઈચ્છતા કે ગ્રાહકો પર સંપૂર્ણ ભાવ વધારાનો બોજો નાંખવામાં આવે. અમે ભાવ અસરકારકતા કાર્યક્રમ (સીઈપી) મુજબ ઘણાં પગલાં ભરી રહ્યાં છે. પારલેજી બિસ્કિટ નિર્માતા પારલે પ્રોડક્ટ્સે પણ રો-મટિરિયલ્સમાં વધારો થવાને કારણે પાંચથી સાત ટકા ભાવ વધારો લાગુ કર્યો છે. કંપનીના દાવા મુજબ, કાચી સામગ્રી 18 ટકાથી 20 ટકા જેટલી મોંઘી થઈ છે. શહેરી માર્કેટની સરખામણીએ રૂરલ માર્કેટમાં હાલ થોડી ઘણી હલચલ જોવા મળી રહી છે. શહેરી માર્કેટમાં હાલ માંગ સ્થિર બની રહી છે.
ખિસ્સા હળવા થયા અને લોકોને ખબર પણ ન પડી
બ્રિટાનિયા ઈન્ડસ્ટ્રીઝ દ્વારા વસ્તુઓ ત્રણ ટકાથી પાંચ ટકા મોંઘી કરાઈ
પારલે પ્રોડક્ટ્સ દ્વારા ઉત્પાદનો પર સરેરાશ પાંચ ટકાથી સાત ટકાની ભાવ વૃદ્ધિ
પામ ઓઈલના ભાવ વધતાં ગોદરેજ કન્ઝયૂમર પ્રોડક્ટ્સે પણ સાબુના ભાવમાં વધારો કર્યો
અદાણી વિલ્મરે ખાદ્યતેલના ભાવની હિલચાલને અનુરૂપ ભાવમાં વધારો કર્યો છે