રાજ્યમાં 2 જિલ્લા પંચાયતો (બનાસકાંઠા અને ખેડા)ની, 17 તાલુકા પંચાયતોની, 78 નગરપાલિકાઓની તેમજ જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી જાહેર થવાની રાહ જોવાતી હતી, ત્યાં રાજ્ય ચૂંટણીપંચે છેલ્લી ઘડીએ કોથળામાંથી બિલાડું કાઢયું છે.
પંચે શુક્રવારે સાંજે આદેશ બહાર પાડી જાહેર કર્યું છે કે, ચૂંટણીમાં જનારી પાલિકા-પંચાયતો તથા જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મતદાર યાદીઓ તૈયાર કરી તેની તા. 19-12-24ના રોજ પ્રાથમિક પ્રસિદ્ધિ થશે, નિયમ-3 (6) હેઠળ નમૂના નંબર 1 (6) તથા 1 (ખ) મુજબ દાવા અરજીઓ રજૂ કરવાની છેલ્લી તારીખ 8-1-25 રહેશે અને રજૂ થયેલા દાવા અરજીઓની ચકાસણી તથા દાવા અંગે આખરી નિર્ણય તા. 15-1-25 સુધી થશે. આનો મતલબ એ થયો કે, ડિસેમ્બરની 15-16 તારીખોમાં ચૂંટણીની જાહેરાત થવાની અને જાન્યુઆરીના પહેલા-બીજા સપ્તાહમાં ચૂંટણીઓ યોજાવાની જે ધારણા રખાતી હતી, તે ઠગારી નીવડી છે. હવે મતદારયાદીઓ અંગે આખરી નિર્ણય 15મી જાન્યુઆરી સુધી થાય એ પ્રમાણે જાન્યુઆરીની 20થી 25 તારીખોમાં ચૂંટણીની જાહેરાત થાય અને એ ચૂંટણી ફેબ્રુઆરીના બીજા અથવા ત્રીજા અઠવાડિયામાં યોજાય.
રાજ્ય ચૂંટણીપંચે એવું પણ જાહેર કર્યું છે કે, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ફોટાવાળી મતદારયાદી તૈયાર કરવા માટે ગુજરાત ઇન્ફોટેક લિમિટેડ, અમદાવાદને કોન્ટ્રાક્ટ અપાયો છે. આ એજન્સી ફોટાવાળી મતદારયાદી માટે વોર્ડવાર, વિભાગવાર જરૂરી વિગતો ઉપલબ્ધ કરાવી, ચકાસણી કરી તેઓની પાસેથી હાર્ડકોપી-સોફ્ટકોપી મેળવી મતદારયાદી પ્રસિદ્ધ કરવા નિયમોનુસાર કાર્યવાહી કરશે. રાજ્યમાં અત્યારે 8 મ્યુનિસિપલ કોર્પોરેશનો અસ્તિત્વમાં છે. રાજ્ય સરકારે વધુ 9 મ્યુનિસિપલ કોપોરેશનો બનાવવાની પ્રાથમિક જાહેરાત કરી છે, પણ હજી એમાં પ્રોસેસ-સીમાંકન બાકી હોય આ નવી મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં ઉક્ત પાલિકા-પંચાયતો સાથે ચૂંટણી યોજાય તેવી કોઈ શક્યતા નથી.