વડોદરા,આજવા રોડ મુખીનગર પાસે તથા કારેલીબાગ પાણીની ટાંકી રોડ પર ભર બપોરે માત્ર ૧૫ મિનિટના ગાળામાં બાઇક સવાર આરોપીઓ બે મહિલાના ગળામાંથી અછોડો તોડી આરોપીઓ ફરાર થઇ ગયા હતા. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
આજવારોડ મુખીનગર પાસે નરસિંહ ધામ સોસાયટીમાં રહેતા દિપીકાબેન નાગેન્દ્રભાઇ સોલંકી તથા તેમના નણંદ હેમાબેન ભાવેેશભાઇ સોલંકી ગઈકાલે બપોરે પોણા ત્રણ વાગ્યે ઘરેથી ચાલતા નીકળે તેમના દીકરાઓને માય શાનેન સ્કૂલે લેવા માટે જતા હતા. તે સમયે મુખીનગર માધવ રેસિકોમ પાસે બે અજાણ્યા આરોપીઓ સ્પોર્ટ્સ મોટરસાયકલ લઈને આવ્યા હતા અને તેમની બાજુમાં ચલાવી પાછળ બેઠેલા આરોપીએ દિપીકાબેનને ધક્કો મારતા તેઓ પાછળ ફર્યા હતા તે સમયે આરોપીએ તેમના ગળામાંથી સોનાનું પાંચ ગ્રામનું મંગળસૂત્ર આંચકી લીધુ હતું અને ભાગી ગયા હતા. બાઈક પર પાછળ બેઠેલા આરોપીએ કાળા તથા સફેદ કલરના પટ્ટાવાળો ટીશર્ટ અને કાળું પેન્ટ પહેર્યુ હતું. તેમજ મોંઢા પર માસ્ક પહેર્યુ હતું.