સુરેન્દ્રનગર જિલ્લાના લખતરમાં આવેલ પાનની દુકાન, થાનના રહેણાક મકાનમાં દારૂની બાતમીને આધારે એલસીબી ટીમે રેડ કરી હતી. જેમાં દારૂ, મોબાઈલ, બાઈક સહિત રૂપીયા 53,570ની મત્તા ઝડપાઈ હતી. જયારે ચોટીલાના ખાટડીમાં પોલીસે દેશી દારૂની ધમધમતી ભઠ્ઠી પર રેડ કરી હતી.
સુરેન્દ્રનગર એલસીબી પીઆઈ જે.જે.જાડેજાની સુચનાથી સ્ટાફના રામદેવસીંહ ઝાલા, કીશનભાઈ, વિજયસીંહ સહિતનાઓ લખતર-લીંબડી રોડ પર પેટ્રોલીંગ કરી રહ્યા હતા. ત્યારે લખતરના દીવાન પાનના ગલ્લે તાહીરશા સલીમશા દીવાન અને નુરશા સલીમશા દીવાન પોતાના માણસ હનીફશા મહેબુબશા ફકીર મારફત દારૂનું વેચાણ કરાવતા હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં નુરશા સલીમશા દીવાન અને હનીફશા મહેબુબશા ફકીર દારૂના 23 ચપલા, રૂપીયા 10 હજારનો મોબાઈલ ફોન અને રૂપીયા 30 હજારના બાઈક સહિત રૂપીયા 43,220ની મત્તા સાથે પકડાયા હતા. આ દરોડામાં હાજર ન મળી આવનાર તાહીરશા દીવાન સહિત 3 સામે ગુનો નોંધી વધુ તપાસ એચસી સંજયભાઈ ઘાઘરેટીયા ચલાવી રહ્યા છે. જયારે બીજી તરફ એલસીબી ટીમના પ્રવીણ કોલા, કુલદીપભાઈ સહિતનાઓને થાનના બોડીધારમાં રહેતો ફારૂક અલારખાભાઈ ભટ્ટી તેના રહેણાક મકાને વિદેશી દારૂ વેચતો હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં આરોપી હાજર મળી આવ્યો ન હતો. પરંતુ પોલીસે ઘરમાં વીમલના થેલામાંથી દારૂના 39 ચપલા કિંમત રૂપીયા 5,850 અને બીયરના 9 ટીન કિંમત રૂપીયા 4500 સહિત રૂપીયા 10,350ની મત્તા જપ્ત કરી હતી. હાજર ન મળી આવનાર આરોપી ફારૂક ભટ્ટી સામે થાન પોલીસ મથકે ગુનો નોંધી તેને ઝડપી લેવા વધુ તપાસ એએસઆઈ આર.જે.માલકીયા ચલાવી રહ્યા છે. બીજી તરફ નાની મોલડી પોલીસ મથકના પીઆઈ એન.એસ.પરમાર સહિતની ટીમને ખાટડીનો રાજુ કનુભાઈ જાતવડા ગામની સીમમાં વીડ વીસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠી ચલાવતો હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં આરોપી હાજર મળી આવ્યો ન હતો. પરંતુ પોલીસે દારૂ બનાવવાનો આથો 3600 લીટર કિંમત રૂપીયા 90 હજાર, 300 લીટર દારૂ કિંમત રૂપીયા 60 હજાર, રૂપીયા 28 હજાર મળી કુલ રૂપીયા 1.78 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અને બનાવની ફરિયાદ નોંધી હાજર ન મળી આવનાર આરોપીને ઝડપી લેવા તપાસ એચસી બટુકભાઈ કરી રહ્યા છે.