ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી શિયાળાની ઠંડીએ જમાવટ શરૂ કરી છે. કચ્છના નલિયામાં સતત તાપમાનનો પારો ગગડતાં હાડ થિજવતી ઠંડીનો ચમકારો વર્તાઈ રહ્યો છે. આજે નલિયામાં લઘુતમ તાપમાન 5 ડિગ્રી નોંધાતા લોકો કાતિલ ઠંડીમાં ઠુંઠવાયા હતા.
બીજી તરફ અમદાવાદ શહેરમાં લઘુતમ તાપમાન 13.4 ડિગ્રી નોંધાયુ હતું, પરંતુ ઠંડો પવન ફુંકાતા શહેરીજનો ધ્રુજી ઊઠયા હતા. આજે રાજ્યના મોટા ભાગના શહેરોમાં સતત ઠંડો પવન ફુંકાતા દિવસ દરમિયાન પણ ઠંડીનો અહેસાસ રહ્યો હતો. કચ્છ અને રાજકોટમાં હવામાન ખાતા દ્વારા ગુરુવારના રોજ કોલ્ડવેવની આગાહી કરાઈ છે. વધુમાં હવામાન ખાતાએ જણાવ્યું છે કે, આગામી ત્રણ દિવસ સુધી રાજ્યના તાપમાનમાં મોટો ફેરફાર નહીં થાય.
કચ્છ સહિત ઉત્તર ગુજરાત બાદ હવે સૌરાષ્ટ્રમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. રાજકોટમાં આજે બુધવાર સવારથી જ ઠંડો પવન ફૂંકાતા લોકો ધ્રૂજી ઊઠયા હતા. સતત ઠંડો પવન ફૂંકાવાના લીધે રાજકોટનું લઘુતમ તાપમાન દોઢ ડિગ્રી ગગડી 9.7 ડિગ્રીએ આવી ગયુ છે, જે સામાન્ય કરતાં 5.9 ડિગ્રી ઓછું નોંધાયુ છે. એ સિવાય ડીસામાં 10.6 ડિગ્રી, ગાંધીનગરમાં 14.3 ડિગ્રી, ભુજમાં 11 ડિગ્રી, કંડલા એરપોર્ટ પર 10.5 ડિગ્રી, અમરેલીમાં 11.8 ડિગ્રી અને કેશોદમાં 11.3 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. આમ રાજ્યમાં સતત ઠંડીનો ચમકારો વધી રહ્યો છે.