અમેરિકાની ચૂંટણી જીત્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ હવે ચાર વર્ષ માટે રાષ્ટ્રપતિ બનવા જઈ રહ્યા છે. તેઓ 20 જાન્યુઆરી, 2025ના રોજ રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. પરંતુ તેમને આ પહેલા જ સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ સત્તા સંભાળવાના પહેલા જ દિવસે કયા મુદ્દાઓ પર પગલાં લેશે.
લાંબા સમયથી અન્ય દેશોમાંથી કાયદેસર અને ગેરકાયદેસર માધ્યમથી અમેરિકા આવતા લોકોની વધતી સંખ્યા ચર્ચાનો વિષય છે. આ સમસ્યાનો ઉકેલ લાવવાનું ચૂંટણી પ્રચાર દરમિયાન પણ ટ્રમ્પે વચન આપ્યું હતું. હવે તેમને જાહેર કર્યું છે કે તે જન્મસિદ્ધ નાગરિકતાના નિયમને નાબૂદ કરશે. એટલે કે અમેરિકામાં જન્મેલા લોકોને હવે ઓટોમેટિક નાગરિકતા નહીં મળે. ટ્રમ્પના આ નિર્ણયથી લાખો ભારતીયો અને ભારતીય મૂળના લોકોની ચિંતામાં વધારો થયો છે. આખરે, આ બર્થરાઈટ સિટિઝનશિપ શું છે અને તેની ભારત પર શું અસર પડશે?
જન્મસિદ્ધ નાગરિકતા શું છે?
દુનિયાના દરેક દેશમાં નાગરિકતા મેળવવાની અલગ અલગ રીતો છે. ઉદાહરણ તરીકે, જો આપણે ભારત વિશે વાત કરીએ, તો ભારતીય નાગરિકોના બાળકોને આપોઆપ ભારતના નાગરિક ગણવામાં આવે છે. આવી જ રીતે અમેરિકન કાયદો કહે છે કે જે પણ વ્યક્તિ અમેરિકાની ધરતી પર જન્મે છે તેને અમેરિકાનો નાગરિક ગણવામાં આવે છે.
અમેરિકામાં નાગરિકતાના નિયમોમાં ગૃહયુદ્ધ પછી કોંગ્રેસે જુલાઈ 1868માં 14મા સુધારા હેઠળ ફેરફાર કર્યો. બાળકના માતા-પિતા કાયદેસર રીતે કે ગેરકાયદેસર રીતે અમેરિકા આવ્યા હતા તે ધ્યાનમાં લીધા વગર તે સુધારાએ કાળા લોકો સહિત તમામને નાગરિકતાની ખાતરી આપી હતી.
જન્મ દ્વારા નાગરિકતાના ઈતિહાસમાં એક મહત્વપૂર્ણ કેસ 1898 માં આવ્યો હતો, જ્યારે યુએસ સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે સાન ફ્રાન્સિસ્કોમાં ચાઈનીઝ ઈમિગ્રન્ટ્સમાં જન્મેલા વોંગ કિમ આર્ક અમેરિકન નાગરિક હતા. કારણ કે તેનો જન્મ અમેરિકામાં થયો હતો.
ટ્રમ્પને શું વાંધો છે?
ડોનાલ્ડ ટ્રમ્પ આ નિયમોને બકવાસ ગણાવે છે અને તેને નાબૂદ કરવાની વકાલાત કરે છે. ઘણા દેશોમાંથી લાખો લોકોએ આ કાયદો દાયકાઓથી અમલમાં હોવાથી લાભ લીધો છે અને અમેરિકન નાગરિકતા મેળવી છે. મૂળરૂપે તેની જોગવાઈઓ તે લોકો માટે કરવામાં આવી હતી જેઓ અગાઉ ગુલામ હતા અને તેમની ભાવિ પેઢીઓને ભારતીય નાગરિકતા આપવાની હતી.
ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના સપોટર્સ માને છે કે આ નિયમનો દુરુપયોગ થઈ રહ્યો છે. તેથી અમેરિકન નાગરિક બનવા માટે વધુ કડક નિયમો બનાવવાની જરૂર છે. ટ્રમ્પના પહેલા કાર્યકાળ દરમિયાન પણ આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો, પરંતુ તે સમયે આ દિશામાં કોઈ ખાસ પગલાં લેવામાં આવ્યા ન હતા.
ભારત પર શું થશે અસર?
જો ડોનાલ્ડ ટ્રમ્પ આ નિયમોને નાબૂદ કરશે તો લાખો લોકોને તેની અસર થશે. મીડિયા રિપોર્ટ મુજબ લગભગ 48 લાખ ભારતીય-અમેરિકન લોકોને તેની અસર થશે, કારણ કે તેમાંથી 16 લાખ લોકોનો જન્મ માત્ર અમેરિકામાં જ થયો હતો. આવી પરિસ્થિતિમાં, ડોનાલ્ડ ટ્રમ્પના આ નવા રૂલને કારણે આ લોકો હવે અમેરિકાના નાગરિક નહીં રહે. ટ્રમ્પ પણ આ વાત માને છે. તેમને એમ પણ કહ્યું હતું કે આ નિયમ નાબૂદ થયા બાદ પરિવારો અલગ થઈ જશે અને જેમની પાસે નાગરિકતા નથી તેમને તેમના દેશમાં મોકલી શકાશે.
2011ની ફેક્ટ શીટમાં અમેરિકન ઈમિગ્રેશન કાઉન્સિલની ચેતવણી આપવામાં આવી હતી કે જન્મસિદ્ધ નાગરિકતા નાબૂદ કરવાથી યુએસ નાગરિકો માટે તેમની નાગરિકતા સાબિત કરવી વધુ મુશ્કેલ બનશે. કારણ કે હાલમાં જન્મ પ્રમાણપત્ર દ્વારા જ નાગરિકતા સાબિત થાય છે. હકીકત પત્રકમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આ નિયમને રદ્દ કરવાથી લાખો અમેરિકન બાળકો પર અસર થશે અને યુએસ સરકાર માટે વહીવટી બોજ ઊભો થશે.
કયા દેશોમાં જન્મસિદ્ધ અધિકારના આધારે નાગરિકતા ઉપલબ્ધ છે?
માત્ર અમેરિકા જ નહીં, લગભગ 30 દેશો એવા છે જ્યાં જન્મસિદ્ધ અધિકારના આધારે નાગરિકતા આપવામાં આવે છે. કેનેડા, આર્જેન્ટિના, બોલિવિયા, એક્વાડોર, ફિજી, ગ્વાટેમાલા, ક્યુબા અને વેનેઝુએલા જેવા ઘણા દેશો આ અધિકાર પ્રદાન કરવાનું ચાલુ રાખે છે. પરંતુ ઘણી જગ્યાએ આ મામલે વધુ કડક છે. ઘણા દેશોમાં, નાગરિકતા માટે, બાળકના માતાપિતા બંને તે દેશના હોવા આવશ્યક છે. મોટાભાગના કાનૂની નિષ્ણાતો માને છે કે જ્યાં સુધી બંધારણમાં જ ફેરફાર કરવામાં ન આવે ત્યાં સુધી આ સુધારામાં ફેરફાર શક્ય નથી. આ માટે કોંગ્રેસ અને રાજ્ય બંનેના સમર્થનની જરૂર છે.
Disclaimer: અહીં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી માટે છે. સંદેશ ન્યૂઝ તેની પુષ્ટિ કરતું નથી.