અમેરિકામાં કથિત રીતે લાંચના આરોપોનો સામનો કરી રહેલા ગૌતમ અદાણીને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. ગૌતમ અદાણીની કંપનીએ શ્રીલંકામાં તેમના કોલંબો પોર્ટ પ્રોજેક્ટ માટે અમેરિકન ફંડિંગને નકારી કાઢ્યું છે. આ ભંડોળ 553 મિલિયન ડોલર (લગભગ 4692 કરોડ રૂપિયા)નું હતું. સ્ટોક એક્સચેન્જને આ સંદર્ભમાં માહિતી આપતા કંપનીએ કહ્યું કે હવે તે પ્રોજેક્ટને પૂર્ણ કરવા માટે અમેરિકન ફંડિંગ નહીં પરંતુ પોતાના સંસાધનોનો ઉપયોગ કરશે. એટલે કે હવે ગૌતમ અદાણીનો મોટો પ્રોજેક્ટ પોતાના પૈસાથી પૂરો કરશે.
કોલંબો પોર્ટ પ્રોજેક્ટ શું છે?
કોલંબો પોર્ટની ક્ષમતા વધારવાનો આ પ્રોજેક્ટ વર્ષ 2021માં શરૂ કરવામાં આવ્યો હતો અને તે ગૌતમ અદાણીની કંપની અદાણી પોર્ટ્સ અને શ્રીલંકાના જૂથ જોન કીલ્સ હોલ્ડિંગ્સ દ્વારા પૂર્ણ કરવામાં આવી રહ્યો છે. આ કોલંબો વેસ્ટ ઇન્ટરનેશનલ ટર્મિનલ (CWIT) શ્રીલંકામાં સૌથી મોટું કન્ટેનર ટર્મિનલ હશે. આ કામ પૂર્ણ કરવા માટે અદાણી ગ્રુપની કંપનીએ અમેરિકન ફંડિંગ માટે વાતચીત શરૂ કરી હતી.
ગયા વર્ષે થઇ હતી ડીલ
અદાણી પોર્ટ્સે કોલંબોમાં આ પ્રોજેક્ટ માટે યુએસ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશન (DFC) સાથે $553 મિલિયન ફંડિંગ વિશે વાત કરી હતી. જેને ગયા વર્ષે નવેમ્બરમાં મંજૂરી આપવામાં આવી હતી અને તેની સમીક્ષાની પ્રક્રિયા ચાલી રહી હતી. પરંતુ આ દરમિયાન અમેરિકામાં લાગેલા કથિત આરોપો વચ્ચે અદાણી પોર્ટ્સ (APSEZ)એ મોટો નિર્ણય લીધો છે અને આ ફંડિંગ નહીં લેવાનો નિર્ણય કર્યો છે.
કંપનીએ ફાઈલિંગમાં જાણકારી આપી
પીટીઆઈના અહેવાલ મુજબ અબજોપતિ ગૌતમ અદાણીની આગેવાની હેઠળના અદાણી જૂથે મંગળવારે મોડી રાત્રે એક એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે તે હવે શ્રીલંકાના પોર્ટ પ્રોજેક્ટને પૂર્ણ કરવા માટે પોતાના સંસાધનોનો ઉપયોગ કરશે અને ડીએફસી પાસેથી યુએસ ભંડોળ માંગશે નહીં. આ સાથે, કંપનીએ કહ્યું કે આ કોલંબો પ્રોજેક્ટ આવતા વર્ષની શરૂઆતમાં કામગીરી શરૂ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે અને અમે યુએસ ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશન પાસેથી ભંડોળ માટેની અમારી વિનંતી પાછી ખેંચી લીધી છે.