બોટાદ જિલ્લામાં ચાલુ માસ ડિસેમ્બર-૨૦૨૪ તથા આગામી જાન્યુઆરી -૨૦૨૫ના માસ દરમિયાન કાયદો અને વ્યવસ્થા તથા સુલેહ શાંતિ જળવાઈ રહે તે હેતુસર કોઈ વ્યક્તિ કે વ્યક્તિના સમૂહ દ્વારા જાહેરમાં તીક્ષ્ણ હથિયારો જેવા કે છરી, કુહાડી, ધારીયા, તલવાર, ગુપ્તી, લાકડીઓ, લોખંડના પાઈપ, ભાલા તથા દંડા, બંદૂક, લાઠી અથવા શારીરિક હિંસામાં ઉપયોગી થઈ શકે તેવા પ્રાણઘાતક હથિયારો લઈને હરે ફરે નહિ તે માટે બોટાદ જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ પી.એલ.ઝણકાતે તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા પ્રતિબંધ ફરમાવ્યો છે.
ગીતો ગાવાની તથા વાદ્ય વગાડવા પર પ્રતિબંધ
આ જાહેરનામું બોટાદ જિલ્લાનાં સમગ્ર વિસ્તારને લાગુ પડશે. આ જાહેરનામાની અમલવારી તા. ૦૮-૦૧-૨૦૨૫ સુધી કરવાની રહેશે.જે મુજબ જાહેરનામામાં જણાવ્યા પ્રમાણે કોઇ વ્યક્તિ કે વ્યક્તિનાં સમૂહ દ્વારા શસ્ત્રો, દંડા, તલવાર, ભાલા, મોટા, બંદૂક, ચપ્પુ, લાકડી, લાઠી અથવા શારીરિક ઈજા પહોંચાડવામાં ઉપયોગ થઇ શકે તેવી બીજી કોઈ ચીજો લઈ જવા પર, કોઈપણ ક્ષયધર્મી અથવા સ્ફોટક પદાર્થ લઇ જવાની, પથ્થરો અથવા બીજા શસ્ત્રો અથવા તે શસ્ત્રો ફેંકવાના અથવા નાખવાના યંત્રો અથવા સાધનો લઇ જવાની, એકઠા કરવાની તથા તૈયાર કરવાની અને કોઇ સરઘસમાં જલતી અથવા પેટાવેલી મશાલ લઇ જવાની, વ્યક્તિઓ અથવા તેના શબ અથવા આકૃતિઓ અથવા પુતળા દેખાડવાની, લોકોએ બુમ પાડવાની, ગીતો ગાવાની તથા વાદ્ય વગાડવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
હથિયાર પરવાના
આ જાહેરનામુ સરકારી નોકરી કે કામ કરતી કોઇ વ્યક્તિને જો ત્યાંના ઉપરી અધિકારીએ આવું કોઇપણ હથિયાર લઇ જવાનું ફરમાવ્યું હોય અથવા આવું કોઇપણ હથિયાર લઇ જવાની તેની ફરજ હોય, પોલીસ અધિક્ષક અથવા તેણે અધિકૃત કરેલ પોલીસ અધિકારી કે જેને શારીરિક અશક્તિને કારણે લાકડી અથવા લાઠી લઇ જવાની પરવાનગી આપી હોય તે વ્યક્તિને, જિલ્લા મેજીસ્ટ્રેટ અથવા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટે આ અર્થે ખાસ અધિકૃત કરે તેવી બીજી કોઇ વ્યક્તિને અથવા કાયદેસરના હથિયાર પરવાના વ્યક્તિનઓને ઉક્ત હુકમનો ખંડ (ક)-(ખ)-(ગ)-(ઘ) લાગુ પડશે નહી.
આ અધિકારી સાથે રહેશે સત્તા
આ જાહેરનામાનો કોઇ ખંડનો ભંગ અથવા ઉલ્લંઘન કરનારને ઓછામાં ઓછી ચાર મહિનાની અને વધુમાં વધુ એક વર્ષની કેદની સજા અને ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૩૫(૧) મુજબ દંડની પણ સજા થશે.જાહેરનામાનો અમલ અને તેના ભંગ બદલના પગલા લેવા માટે ફરજ પરના કોઇપણ હેડ કોન્સ્ટેબલ તથા તેનાથી ઉપરના અધિકારીને અધિકાર રહેશે.