ભારતીય ટીમને નીતિશ કુમાર રેડ્ડીના રૂપમાં એક મહાન ઓલરાઉન્ડર મળ્યો છે. તેણે અત્યાર સુધી રમાયેલી 2 ટેસ્ટ મેચમાં આ સાબિત કર્યું છે. હૈદરાબાદના આ ખેલાડીએ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી 5 મેચની ટેસ્ટ સિરીઝની બીજી મેચમાં શાનદાર બેટિંગ કરી હતી. આ ખેલાડીએ ભારત માટે મુશ્કેલ પરિસ્થિતિમાં રન બનાવ્યા હતા. પોતાની ઈનિંગ દરમિયાન યુવા ઓલરાઉન્ડરે જોરદાર શોટ રમ્યો, જેના પછી ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ દંગ રહી ગયા, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો.
નીતિશ રેડ્ડીએ કર્યો કમાલ
નીતીશ રેડ્ડીએ 42મી ઓવરમાં પોતાનો ગિયર બદલ્યો. તેણે સ્કોટ બોલેન્ડને ટાર્ગેટ કર્યો અને એક ઓવરમાં 21 રન બનાવ્યા. તેણે ઓવરના બીજા બોલને રિવર્સ સ્વિપ કર્યો અને થર્ડ મેન તરફ સિક્સર ફટકારી. સામાન્ય રીતે આવો શોટ T-20માં જોવા મળે છે. પરંતુ રેડ્ડીએ ટેસ્ટમાં આ શોટ રમીને દુનિયાને પોતાની ક્ષમતા બતાવી દીધી. તેણે બોલેન્ડની ઓવરમાં 2 સિક્સ અને 1 ફોર ફટકારી હતી.
આ મેચમાં નીતિશ કુમાર રેડ્ડીએ 54 બોલમાં 42 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ ઇનિંગમાં તેણે 3 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. આટલું જ નહીં, નીતિશે ભારત માટે સૌથી વધુ રન બનાવ્યા અને મુશ્કેલ પરિસ્થિતિઓમાં ટીમને અંત સુધી સાથ આપ્યો. જો કે, તે મોટો શોટ રમવાના પ્રયાસમાં આઉટ થયો હતો.