પાકિસ્તાનની ધરતી પર બ્લાઈન્ડ ક્રિકેટ વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવ્યું હતું. ફાઈનલ મેચ 3 ડિસેમ્બરે પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ હતી. પાકિસ્તાને આ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું અને ટાઈટલ જીત્યું. પાકિસ્તાન તરફથી બેટ્સમેન સિવાય બોલરોનો દબદબો જોવા મળ્યો હતો. હવે પાકિસ્તાને મુલતાનની ધરતી પર નવો રેકોર્ડ બનાવ્યો છે.
પાકિસ્તાને નેપાળને હરાવીને ફાઈનલમાં બનાવી હતી જગ્યા
પાકિસ્તાને સેમી ફાઇનલમાં નેપાળને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. હવે પાકિસ્તાને બાંગ્લાદેશને હરાવીને ઈતિહાસ રચ્યો છે. તમને જણાવી દઈએ કે ભારતીય ટીમે આ ટૂર્નામેન્ટમાં ભાગ લેવા માટે પાકિસ્તાનનો પ્રવાસ કર્યો નથી. તેની પાછળનું કારણ ખેલાડીઓની સુરક્ષા હોવાનું જણાવવામાં આવ્યું હતું.
બાંગ્લાદેશે આપ્યો 139 રનનો ટાર્ગેટ
ફાઈનલ મેચમાં બાંગ્લાદેશે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 139/7 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશ માટે આરિફ હુસૈને 52 બોલમાં 54 રનની ઈનિંગ રમી હતી. તેને બાંગ્લાદેશ માટે સૌથી વધુ રન બનાવ્યા હતા. પાકિસ્તાન તરફથી બાબર અલીએ સારી બોલિંગ કરી અને પોતાની ચાર ઓવરમાં 24 રન આપીને 2 વિકેટ લીધી.
પાકિસ્તાને 11 ઓવરમાં મેચ જીતી લીધી
140 રનના ટાર્ગેટનો પીછો કરતા પાકિસ્તાને માત્ર 11 ઓવરમાં જ મેચ જીતી લીધી હતી. પાકિસ્તાન તરફથી નિસાર અલીએ 72 રનની ઈનિંગ રમી હતી, જ્યારે મોહમ્મદ સફદરે 47 રનનું યોગદાન આપ્યું હતું. બંનેએ સાથે મળીને પાકિસ્તાનની જીતની ગાથા લખી અને ઈતિહાસના પાનામાં પોતાનું નામ નોંધાવ્યું. પાકિસ્તાને આ મેચ 10 વિકેટથી જીતીને બ્લાઈન્ડ ક્રિકેટ વર્લ્ડ કપ પર કબજો કર્યો હતો.
પાકિસ્તાન બ્લાઈન્ડ ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ સૈયદ સુલતાન શાહે પાકિસ્તાનને જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ સિવાય PCBએ પણ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર જીતની ઉજવણી શેર કરીને ખુશી વ્યક્ત કરી હતી. પીસીબીના અધ્યક્ષ મોહસિન નકવીએ પણ ખેલાડીઓની પ્રશંસા કરી હતી. ખાસ કરીને તેમને ફાઈનલમાં શાનદાર પ્રદર્શન કરનાર નિસાર અલી અને મોહમ્મદ સફદરની પ્રશંસા કરી હતી.
ફાઈનલ જીત્યા બાદ મોહસિન નકવીએ કહ્યું કે ખેલાડીઓએ સમગ્ર અભિયાન દરમિયાન શાનદાર પ્રદર્શન કર્યું. આ સિવાય મોહસિન નકવીએ આશા વ્યક્ત કરી કે ટીમ ભવિષ્યમાં પણ સારું પ્રદર્શન કરશે.