બી.ઝેડ.ના ચકચારી મહાકૌભાંડના સમગ્ર રાજ્યમાં પડઘા પડયા છે. આ કૌભાંડમાં ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના હજારો રોકાણકારોના કરોડો રૂપિયા ફસાયા છે. બનાસકાંઠા સહિત અન્ય જિલ્લાઓમાં પણ એજન્ટો મારફતે અનેક લોકોનું રોકાણ બી.ઝેડ ગ્રૂપ ફાઈનાન્સિઅલની વિવિધ કંપનીઓમાં થયેલુ છે.
અત્યાર સુધી સીઆઈડી ક્રાઈમે નનામી અરજીના આધારે કાર્યવાહી કરી છે. પરંતુ કોઈ રોકાણકાર સામે આવ્યુ ન હતું. રોકાણકારો નાણાં પરત મળી જવાની આશાએ અત્યાર સુધી ધીરજ રાખીને બેઠા હતા પરંતુ ભૂપેન્દ્ર ઝાલા ભૂપર્ભામાં ઉતરી જતાં હવે રોકાણકારોની ધીરજ ખૂટવા લાગી છે. સાબરકાંઠાના પ્રાંતિજમાં એક રોકાણકારે બી.ઝેડ ગ્રૂપના સંચાલક અને એજન્ટ વિરૂધ્ધ અરજી આપી છે. આગામી દિવસોમાં અરવલ્લી, સાબરકાંઠા સહિત ઉ.ગુ.ના અન્ય જિલ્લાઓમાંથી પણ રોકાણ કરનાર રોકાણકારો ફરિયાદો કરવા સામે આવે તો નવાઈ નહી
બી.ઝેડ કૌભાંડમાં દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. ભૂપેન્દ્ર ઝાલાએ રૂપિયાની હેરફેર માટે 11 અલગ-અલગ કંપનીઓ બનાવી જુદી-જુદી બેંકોમાં 27 બેંક એકાઉન્ટ ખોલાવ્યા હોવાનું સામે આવ્યુ છે. સીઆઈડી ક્રાઈમે ઝડપી લધેલ માલપુરના એજન્ટ અને કર્મચારીઓની પણ પુછપરછ કરી હતી અને કેટલીક વિગતો મેળવી હતી. જો કે અત્યાર સુધી કોઈ રોકાણકાર સામે ન આવતાં તપાસ એજન્સી પણ મુંઝવ્ણમાં છે. દરમ્યાન બી.ઝેડમાં રોકાણ કરનાર પ્રાંતિજના એક રોકાણકારે પોલીસને અરજી આપી ફરિયાદ દાખલ કરવા માંગ કરી છે. બી.ઝેડ ગ્રૂપ સામે સમગ્ર રાજ્યમાં પ્રાંતિજના પલ્લાચરના સુરેશભાઈએ એગ્રીમેન્ટ સાથે પોલીસને અરજી કરી છે અને ભૂપેન્દ્ર ઝાલા તથા એજન્ટ વિરૂધ્ધ કાર્યવાહીની માંગ કરી છે. દરમિયાન આગામી દિવસોમાં અન્ય રોકાણકારો પણ પોલીસ સમક્ષ પહોંચે તેવી શક્યતાઓ વધી ગઈ છે. ઉલ્લેખનિય છે કે,બી.ઝેડ ગ્રૂપનું કૌભાંડ સામે આવ્યા બાદ રોકાણકારોની હાલત કફોડી બની છે અને રોકાણકારો એજન્ટોને શોધી રહ્યા છે. પરંતુ કેટલાક એજન્ટો પણ ભૂપેન્દ્ર ઝાલાની જેમ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. પરિણામે જીવનભરની મૂડી રોકી દેનાર અનેક રોકાણકારોના પગ નીચેથી ધરતી સરકવા લાગી છે. આગામી દિવસોમાં ઉ. ગુ.ના અનેક વિસ્તારોમાં રોકાણકારો પોતાની સાથે થયેલ છેતરપિંડીની ફરિયાદો કરવા સામે આવે તેવી શક્યતાઓ વધી છે.
BZ પાસેથી દાન લેનારાઓ ઉપર પણ તવાઈ આવશે
બી-ઝેડનું 6000 કરોડનું પૌંઝી કૌભાંડ પ્રકાશમાં આવ્યા બાદ સીઆઈડી ક્રાઈમ દ્વારા ભુપેન્દ્રસિંહ ઝાલાની બધી જ કંપનીઓના તમામ બેંક એકાઉન્ટસ્ અને તેમાં થયેલા તમામ વ્હવહારોની ઝીણવટભરી તપાસ કરાઈ રહી છે. સીઆઈડીને એવી પણ માહિતી મળી છે કે ભુપેન્દ્રસિંહ ઝાલાએ અગાઉ ર0રરમાં હિંમતનગર બેઠક ઉપર વિધાનસભાની ચૂંટણી લડવા માટે તેનો બાયોડેટા મજબૂત કરવા 81 કરોડની ડીલ કરીને હિંમતનગર તાલુકાના બેરણાં ગામની ગ્રોમોર કોલેજને ખરીદી હતી. એટલું જ નહીં ધનસુરા તાલુકાના એક ગામની એક શૈક્ષણિક સંસ્થામાં પણ લાખો રૂપિયા દાન આપીને ટ્રસ્ટી પદ પણ મેળવ્યુ હતુ. જે માટે તેણે ચેક અને રોકડ દ્વારા કરેલા લાખો રૂપિયાના વ્યવહારોની ઉંડાણપુર્વક તપાસ કરીને સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની જે પણ શૈક્ષણિક સંસ્થા, સામાજિક સંસ્થા, ધાર્મિક સંસ્થા સહિતની જયાં જયાં તેણે દાન આપ્યુ છે કે લ્હાણી કરી છે. તે તમામ માહિતીની ચકાસણી કરીને રીપોર્ટ તૈયાર કરવામાં આવશે. જેના કારણે દાન લેનારાઓ સામે પણ તપાસ કરવામાં આવે તેવી સંભાવના છે.
એજન્ટો ઉપર તોળાઈ રહેલો ધરપકડનો ખતરો
બી.ઝેડ ફાયનાન્સના સીઈઓ ભૂપેન્દ્રસિંહ પરબતસિંહ ઝાલા તથા મળતીયા અને એજન્ટો વિરૂધ્ધ સીઆઈડી ક્રાઈમે બી.એન.એસની વિવિધ કલમો તથા જી.પી.આઈ.ડી. એક્ટ અને ધ બેનિંગ ઓફ અનરેગ્યુલેટેડ ડિપોઝીટ સ્કિમ એક્ટ 2019ની કલમ 21 તથા કલમ 23 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. એજન્ટ મયુર દરજીના રિમાન્ડ દરમિયાન કેટલાક અન્ય એજન્ટોના નામ પણ તપાસમાં સામે આવ્યા છે. ત્યારે આગામી દિવસોમાં એક બાદ એક એજન્ટની ધરપકડ થઈ શકે છે.
લો બોલો હજુય…એજન્ટનો દાવો સાહેબને કંઈ થવાનું નથી
સીઆઈડી ક્રાઈમે બી.ઝેડની ઓફિસો અને બ્રાન્ચોમાં દરોડા પાડી દરસ્તાવેજો જપ્ત કર્યા છે. એક એજન્ટ સહિત સાત વ્યકિતઓની ધરપકડ પણ કરવામાં આવી છે. ભૂપેન્દ્ર ઝાલાના ઘર આગળથી કરોડો રૂપિયાની વૈભવી કારો પણ જપ્ત કરી લેવામાં આવી છે. ભૂપેન્દ્ર ઝાલાએ રોકાણકારોનાં નાણાં ક્યાં રોક્યાં છે. તેની ઝીણવટભરી તપાસ ચાલી રહી છે. બીજી તરફ ભૂપેન્દ્ર ઝાલા ભૂગર્ભમાં ઉતરી ગયો છે. તેમ છતાંય એજન્ટો રોકાણકારોને સબ સલામત છે. તેવા દિલાસા આપી રહ્યા છે. પ્રાંતિજમાં પોલીસને અરજી કરવા આવનાર રોકાણકારે એજન્ટનો સંપર્ક કર્યો હતો. ત્યારે એજન્ટે જણાવ્યુ હતું કે, સાહેબશ્ને કંઈ થવાનું નથી. તમને સમયસર વ્યાજ મળી જશે. બીજાની ચિંતા છોડો. આવડા મોટા કૌભાંડ બાદ પણ એજન્ટો ભૂપેન્દ્ર ઝાલાને કંઈ થવાનું નથી. તેવો દાવો ઠોકી રહ્યા છે. ત્યારે ખરેખર કોઈ મોટા માથાઓની છત્રછાયા તો નહીં હોયને તેવા સવાલો પણ થવા લાગ્યા છે.
રોકાણકાર કોઈના રૂપિયા રોકાવે તો તેને પણ એક ટકો મળતો
બી.ઝેડમાં રોકાણ કરનારાઓને મહિને ત્રણથી ચાર ટકા વ્યાજ આપવામાં આવતુ હતું. જ્યારે આ રોકાણકાર અન્ય વ્યકિત પાસે નાણાં રોકાણ કરાવે તો તેને પણ એક ટકો કમિશન આપવામાં આવતુ હતુ. એજન્ટોને પથી માંડી 25 ટકા સુધીનું કમિશન અને વિદેશ પ્રવાસની ટૂર તેમજ મોંઘીદાટ કાર, મોબાઈલ સહિતની ગિફ્ટ આપવામાં આવતી હતી. જેના કારણે એજન્ટો ભૂખ્યા વરૂની જેમ શિકાર કરવા નીકળી પડતા હતા અને અસંખ્ય લોકોને લોભામણી લાલચો આપી રોકાણ કરાવતા હતા. રોકાણોમાંથી એજન્ટો પણ વૈભવી કાર લઈને ફરતા થઈ જતા અન્ય લોકો પણ લાલચમાં આવતા ગયા હતા અને નાનાં ગામડાઓમાંથી પણ લાખો રૂપિયા રોકાણ થવા લાગ્યુ હતુ. આખરે રૂ. છ હજાર કરોડ જેટલુ રોકાણ થઈ ગયા બાદ બી.ઝેડનો ફૂગ્ગો ફૂટી ગયો હતો.
તા.5મી બાદ ફરિયાદોનો રાફડો ફાટે તેવી આશંકા
બી.ઝેડ ગ્રૂપમાં રોકાણ કરનારને દર મહિનાની પમી તારીખ બાદ વ્યાજ આપવામાં આવતુ હતુ. બી.ઝેડ ઉપર નવેમ્બરના અંતમાં દરોડા પડયા હતા અને કાર્યવાહી થઈ રહી છે અને કંપનીના સીઈઓ ભૂપેન્દ્ર ઝાલા ભૂગર્ભમાં ઉતરી ગયો છે. સીઆઈડી ક્રાઈમે બી.ઝેડ ગ્રૂપની અલગ-અલગ કંપનીઓના 27 બેંક એકાઉન્ટ પણ ફ્રિજ કરી દીધા છે. ત્યારે રોકાણકારો હજુ પણ મહિનાની તા. પમીએે વ્યાજ મળી જશે તેવી આશામાં છે. વ્યાજ મળવાની મુદત વિતી ગયા બાદ રોકાણકારોને વ્યાજ નહીં મળે તો મોટા પ્રમાણમાં રોકાણકારો ફરિયાદો કરવા સામે આવી શકે છે. તેવું મનાઈ રહ્યુ છે. સીઆઈડી ક્રાઈમ દ્વારા પણ રોકાણકારોને સામે આવવા માટે જાણ કરવામાં આવી છે.
માલપુરમાં સીઆઈડી ક્રાઈમે રોકાણકારોના જવાબો લેવાનું શરૂ કર્યુ
માલપુરના એજન્ટ મયુર દરજીની ધરપકડ કરી સીઆઈડી ક્રાઈમે કેટલાક એગ્રીમેન્ટ જપ્ત કર્યા હતા. જ્યારે કેટલાક રોકાણકારોની પણ વિગતો મેળવી હતી. આ દસ્તાવેજોને આધારે રોકાણકારોના જવાબ મેળવવા માટે સીઆઈડી ક્રાઈમની એક ટીમ રવિવારે માલપુર ખાતે પહોંચી હતી. તપાસ એજન્સી પાસે માલપુરના 20થી વધુ રોકાણકારોની વિગતો હોવાનું પણ ચર્ચાઈ રહ્યુ છે. આગામી દિવસોમાં અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના અન્ય રોકાણકારોના પણ જવાબો મેળવવા કાર્યવાહી હાથ ધરાઈ શકે છે.