એકાએક ઠંડીનું જોર વધવા લાગ્યુ છે. શનિવારે એક જ રાતમાં ચાર ડિગ્રી તાપમાન ગગડયુ હતુ અને ઠંડીનો પારો 14 ડિગ્રી નીચે આવી જતાં ઉત્તર ગુજરાત ઠંડુગાર બન્યુ છે. દિવસભર ઠંડા પવનોને કારણે દિવસે પણ લોકોને ગરમ વસ્ત્રો પહેરી રાખવા પડે છે. જ્યારે રાત્રે કડકડતી ઠંડી પડી રહી છે.
ડિસેમ્બર મહિનામાં આ જ રીતે ગાત્રો થીજવતી ઠંડી પડવાની વકી રહેલી છે. જો કે આ મહિનાના એક અઠવાડિયા બાદ પારો હજુ એકથી બે ડિગ્રી ઘટી શકે છે અને લોકોને હાડ થીજવતી ઠંડીનો સામનો કરવો પડી શકે છે.
ઉત્તર ગુજરાતમાં ઠંડીનું જોર વધવા લાગ્યુ છે અને રાત્રે લોકો રીતસર ઠંડીમાં ઠુંઠવાવા લાગ્યા છે. શુક્રવાર રાત સુધી રાત્રિનું તાપમાન 18 ડિગ્રી રહ્યા બાદ એકાએક ઠંડા પવનોને કારણે શનિવારે રાત્રે પારો ચાર ડિગ્રી ગગડયો હતો. શુક્રવારે ડીસાનું તાપમાન 13.પ ડિગ્રી રહ્યા બાદ શનિવારે રાત્રે પણ 13.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયુ હતું. એકાએક ઠંડીમાં વધારો થતાં લોકોને રાત્રે અને દિવસે પણ ગરમ વસ્ત્રો ધારણ કરવાં પડી રહ્યા છે. બીજી તરફ કડકડતી ઠંડીથી રાહત મેળવવા લોકોને તાપણાંનો સહારો લેવાનો વારો આવ્યો છે. હજુ ચારેક દિવસ આ પ્રકારે જ ઠંડી રહેવાની શક્યતાઓ રહેલી છે. બાદમાં પારો સામાન્ય ઉંચકાઈ શકે છે અને ડિસેમ્બર મહિનો અડધો થાય ત્યાં સુધીમાં પારો 13 ડિગ્રીથી પ નીચે જવાની શક્યતાઓ રહેલી છે. આ વર્ષે નવેમ્બર મહિનામાં કડકડતી ઠંડી પડી ન હતી. પરંતુ ડિસેમ્બરની શરૂઆતથી જ ઠંડીનું જોર વધવા લાગતાં આગામી દિવસોમાં ગાત્રો થીજવતી ઠંડી પડવાની વકી રહેલી છે. એક તરફ ઉત્તર ગુજરાતમાં રવી વાવેતર થઈ રહ્યુ છે. પરંતુ ઠંડીમાં ઘટાડાતી ખેડૂતો મુંઝાયા હતા. જો કે હવે કડકડતી ઠંડીની શરૂઆત થઈ જતાં જ ઘઉં, ચણા, બટાકા, જીરું, મકાઈ સહિતના વાવેતરને ફાયદો થવાની ખેડૂતો આશા સેવી રહ્યા છે. એક તરફ ઠંડા પવન અને ખેતરોમાં પિયતને કારણે શીતલહેર ફરી વળી છે.