સુરેન્દ્રનગર જિલ્લામાં ખેતીવાડી વિભાગની બેદરકારી સભરની કામગીરીના કારણે અસંખ્ય ખેડૂતોને પાક નુકશાનીનું વળતર મળ્યું નથી. તાલુકાના ધ્રુમઠ, વસાડવા, થળા, ભરાડા, સુલ્તાનપુર, મોટી માલવણ અને સજ્જનપુર ગામના ખેડૂતોને પાક નુકશાનીનું વળતર મળ્યું નથી.
બીજી તરફ્ આ સિવાયના માત્ર ધ્રાંગધ્રા તાલુકાના જ 37 ગામડાઓના ખેડૂતોના ખેતરોમાં પાક નુકશાનીનો યોગ્ય સર્વે જ નથી થયો. જેના કારણે અસંખ્ય ખેડૂતો વળતરથી વંચિત રહી ગયા છે. આમ ખેડૂતો માટે પડયા ઉપર પાટુ જેવી સર્જાઈ હોવા છતાંય જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા યોગ્ય સર્વેની કામગીરી ન કરાઈ હોવાથી ખેડૂતોએ તંત્રની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કરી તમામ ખેડૂતોને પુરતું વળતર મળે એવી માંગ કરી રહ્યા છે. આ બાબતે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત સદસ્ય પપુભાઇ ઠાકોરે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલને ખેડૂતોને વળતર ચુકવવાની રજૂઆત કરી છે. હવે રજૂઆત બાદ ખેતીવાડી વિભાગ દ્વારા કેવા પગલા લેવાય છે. એની સામે સૌની નજર મંડાયેલી છે.
ગ્રામસેવકની બેદરકારીથી ખેડૂતો મુશ્કેલીમાં
સજ્જનપુર સરપંચ લાલજીભાઈ પટેલે જણાવેલકે સર્વે સમયે ગ્રામસેવક પંચાયતમાં આવી તમારા ગામમાં કપાસને થયેલ નુકશાનનું વળતર મળી શકે એમ નથી એવી વાત કરી સર્વે કરવા ટીમને લાવ્યા જ નહી આવું અનેક ગામમાં બન્યું છે અને અમે વળતરથી વંચિત રહી ગયા છીએ આ બાબતની જીલ્લા કલેકટર અને ખેતિવાડી અધિકારીને રજૂઆત કરવાના છીએ.