કેન્દ્રીય ટેક્સટાઈલ મંત્રી ગિરિરાજ સિંહ આજે સુરતના પ્રવાસે આવી પહોંચ્યા છે. ત્યારે સુરત સર્કિટ હાઉસ ખાતે રાજ્ય સરકારના અધિકારીઓ સાથે કેન્દ્રીય મંત્રીએ બેઠક કરી છે. પીએમ મિત્ર પાર્ક સંદર્ભે કેન્દ્ર અને રાજ્ય સરકારના અધિકારીઓ સાથે બેઠક કરી અને તે મુદ્દે લાંબી ચર્ચાઓ પણ કરી છે.
હાલમાં 1 મિલિયન ડોલરનું ટેક્સટાઈલ એક્સપોર્ટ કરવામાં આવે છે: કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ
આ દરમિયાન કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું કે સુરત માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ આખા દેશમાં કપડાના શહેર તરીકે પ્રખ્યાત છે, જે આખા વિશ્વમાં સુરતની અલગ ઓળખ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકારે નક્કી કર્યું છે કે વર્ષ 2030માં 350 મિલિયન ડોલરનું ટેક્સટાઈલ માર્કેટ થઈ જશે. હાલમાં 1 મિલિયન ડોલરનું ટેક્સટાઈલ એક્સપોર્ટ કરવામાં આવે છે. ત્યારે નિકાસમાં પણ ગુજરાતની ભૂમિકા મુખ્ય હશે. કેન્દ્રીય મંત્રીએ વધુમાં જણાવ્યું કે સુરતમાં આજે રાત્રે અને આવતીકાલે પણ ટેક્સટાઈલના વેપારીઓ સાથે બેઠક કરવાની છે અને ત્યારબાદ ઈન્ડસ્ટ્રીના લોકો સાથે પણ મારે મિટિંગ કરવાની છે. દેશના ટેક્સટાઈલ માર્કેટ સાઈઝમાં ગુજરાતની ભૂમિકા મહત્વપૂર્ણ છે.
7 રાજ્યમાં ટેક્સટાઈલ પાર્ક બનાવવામાં આવશે: PM મોદી
તમને જણાવી દઈએ કે થોડા મહિનાઓ પહેલા જ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે દેશના 7 રાજયોમાં ટેક્સટાઈલ પાર્ક બનાવવામાં આવશે. તેમણે કહ્યું હતું કે PM MITRA મેગા ટેક્સટાઈલ પાર્ક મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ, તમિલનાડુ, તેલંગાણા, કર્ણાટક અને ઉત્તર પ્રદેશમાં બનાવવામાં આવશે. PM મોદીએ ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી. તેમણે ટ્વીટમાં લખ્યું કે PM MITRA મેગા ટેક્સટાઈલ પાર્ક 5F (ફાર્મ ટુ ફાઈબર ટુ ફેક્ટરી ટુ ફેશન ટુ ફેશન ટુ ફોરેન) વિઝનને અનુરૂપ ટેક્સટાઈલ સેક્ટરને પ્રોત્સાહન આપશે.