વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બેનીઝ ભારતીય ટીમને મળવા પર ખુશી વ્યક્ત કરી છે. રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ અને ઓસ્ટ્રેલિયાની PM ઈલેવન ટીમે સંસદમાં ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન સાથે મુલાકાત કરી હતી.
ભારતીય ટીમ હાલમાં પાંચ મેચની ટેસ્ટ સિરીઝ માટે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. ભારતે પર્થમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચ જીતીને 1-0ની લીડ મેળવી લીધી છે.
ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને શેર કરી તસવીર
ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બેનીઝના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પર ભારતીય ટીમ સાથેની બેઠકની તસવીરો શેર કરવામાં આવી હતી. તેમને ટ્વીટ કર્યું કે ‘આ અઠવાડિયે માનુકા ઓવલ ખાતે શાનદાર ભારતીય ટીમ સામે PM ઈલેવન માટે મોટો પડકાર. પરંતુ મેં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને કહ્યું તેમ હું ઓસ્ટ્રેલિયાની ટીમને જીતવા માટે સમર્થન આપી રહ્યો છું.
PM મોદીએ કહી આ વાત
એન્થની અલ્બેનીઝના આ ટ્વિટ પર પીએમ મોદીએ લખ્યું છે કે મારા પ્રિય મિત્ર એન્થની અલ્બેનીઝને ભારત અને પીએમ XI ટીમ સાથે જોઈને આનંદ થયો. ભારતીય ટીમે આ સિરીઝમાં વિજયી શરૂઆત કરી છે અને 140 કરોડ ભારતીયો મેન ઈન બ્લુ ટીમને મજબૂત સમર્થન આપી રહ્યા છે. હું આગામી મેચો માટે ખૂબ જ ઉત્સાહિત છું.
ભારતે પ્રથમ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું
પર્થમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 295 રનથી હરાવ્યું હતું અને ઓસ્ટ્રેલિયાની ધરતી પર રનના માર્જીનથી સૌથી મોટી જીત હાંસલ કરી હતી. ભારતની જીતમાં વિરાટ કોહલી અને જસપ્રિત બુમરાહે મહત્વની ભૂમિકા ભજવી હતી. વિરાટે ઓસ્ટ્રેલિયાની ધરતી પર તેની 30મી ટેસ્ટ સદી અને ઓસ્ટ્રેલિયામાં સાતમી સદી ફટકારી હતી. મેચમાં આઠ વિકેટ લેનાર કાર્યકારી કેપ્ટન બુમરાહને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 534 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં કાંગારૂ ટીમ 238 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
ટીમ એડિલેડ ટેસ્ટ પહેલા પ્રેક્ટિસ મેચમાં લેશે ભાગ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 6 ડિસેમ્બરથી એડિલેડમાં બીજી ટેસ્ટ મેચ રમાશે. આ પિંક બોલ ટેસ્ટ હશે અને તે પહેલા ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાની પ્રાઈમ મિનિસ્ટર ઈલેવન સામે બે દિવસીય પ્રેક્ટિસ મેચ રમશે, જે શનિવારથી શરૂ થશે. ગત વખતે એડિલેડમાં પિંક બોલ ટેસ્ટમાં ભારતનું પ્રદર્શન સારું રહ્યું ન હતું અને ટીમ બીજા દાવમાં 36 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.