અદાણી જૂથ સામે લાંચકાંડના આરોપો લાગ્યા પછી ગુરુવારે જૂથની કંપનઓના શેરોમાં કડાકો બોલ્યો હતો, પરંતુ તે પછીના બે દિવસોમાં જૂથની કુલ લિસ્ટેડ 11 કંપનીઓમાં મિશ્રા ચાલ જોવા મળી હતી. જો કે તે પછી આજે અગ્રણી ક્રેડિટ રેટિંગ એજન્સી મુડી અને ફિચે જૂથની કેટલીક કંપનીઓનું રેટિંગ સ્ટેબલથી ઘટાડીને નેગેટિવ કરતાં ફરીથી આજે અદાણી જૂથની કંપનીઓના શેર પૈકી કેટલાકમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું.
અદાણી જૂથ સામે અમેરિકામાં લાંચકાંડના આરોપો લાગ્યા તેને પગલે મુડીએ આજે અદાણી જૂથની સાત કંપનીઓનું રેટિંગ ડાઉનગ્રેડ કર્યું હતું. મુડીએ જણાવ્યું હતું કે તેણે અદાણી ગ્રીન એનર્જી અને અદાણી પોર્ટ્સ સહિત અદાણી જૂથની સાત કંપનીઓનું રેટિંગ સ્ટેબલમાંથી બદલીને નેગેટિવ કર્યું છે. આ કંપનીઓમાં અદાણી ગ્રીન એનર્જી, અદાણી ઇલેક્ટ્રિસિટી મુંબઇ લિમિટેડ, અદાણી ટ્રાન્સમિશન, અદાણી પોર્ટ્સ અને અદાણી ઇન્ટરનેશનલ કન્ટેઇનર ટર્મિનલ સમાવિષ્ટ છે. બીજી તરફ યુએસની ક્રેડિટ રેટિંગ એજન્સી ફિચે પણ અદાણી જૂથની ચાર કંપનીઓનું આઉટલુક આજે ડાઉનગ્રેડ કર્યું હતું. ફિચે જણાવ્યા મુજબ અદાણી જૂથની કંપનીઓ અદાણી ઇન્ટરનેશનલ કન્ટેઇનર ટર્મિનલ પ્રાઇવેટ લિમિટેડ, અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ, અદાણી પોર્ટસ, અદાણી એનર્જી સોલ્યુશન્સ લિમિટેડનુ રેટિંગ સ્ટેબલથી ઘટાડીને નેગેટિવ કરવામાં આવ્યું છે.