પારડી દુષ્કર્મ કેસમાં કોર્ટે આરોપીના રાહુલ જાટને 10 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. આરોપી આરોપી રાહુલ જાટે 25 દિવસમાં 5 જેટલી હત્યાઓ કરી હોવાની કબૂલાત પણ કરી છે. આરોપીએ કોલકાતા, મેંગ્લોર, સિંકદરાબાદ, પુનામાં ખૂની ખેલનો અંજામ આપ્યો હતો.
વલસાડ જિલ્લાના પારડી મોતીવાડા કોલેજીયન યુવતી પર દુષ્કર્મ હત્યા મામલે પોલીસે આરોપી રાહુલ જાટની ધરપકડ બાદ આરોપીએ અનેક ખુલાસા કર્યા છે. સમગ્ર મામલે હત્યાને લઇ અનેક ખુલાસા થવાનાને લઇ પોલીસે રિમાન્ડ માંગ્યા હતા. હાલ 25 દિવસમાં 5 હત્યા કબૂલ કરનાર રાહુલ જાટને 10 દિવસના કોર્ટે રિમાન્ડ આપ્યા છે.
આરોપીએ 5 હત્યા કરી હોવાનો ખુલાસો
વલસાડ જિલ્લાના પારડીના મોતીવાડા ગામમાં કોલેજીયન યુવતીના રેપ વિથ મર્ડરની આ સનસનીખેજ ઘટનામાં પોલીસને આખરે મોટી સફળતા મળી છે. દસ દિવસ બાદ પોલીસે આ જઘન્ય ગુનાના આરોપીની અટકાયત કરી છે. આરોપીએ ટ્યુશનથી ઘરે જઈ રહેલી યુવતી પર દુષ્કર્મ આચર્યા બાદ તેની હત્યા કરી અને ફરાર થઈ ગયો હતો. પોલીસની અત્યાર સુધીની તપાસમાં આરોપી મામલે અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. જેમાં પારડીમાં ગુનો આચાર્યા બાદ પણ આ નરાધમે ટ્રેનમાં વધુ ત્રણ હત્યાઓ સાથે અત્યાર સુધી 5 હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે.
શું હતો સમગ્ર મામલો?
વલસાડ જિલ્લાના પારડીના મોતીવાડા ગામમાં રેલ્વે સ્ટેશન નજીક રેલ્વે ટ્રેકની બાજુમાં એક વાડીમાંથી એક યુવતીનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. મૃતક યુવતી ટ્યુશનથી પોતાના ઘરે જઈ રહેતી હતી. આ દરમિયાન તેની સાથે કંઈ અજુગતું બન્યું અને તેનો મૃતદેહ વાડીમાંથી મળી આવ્યો હતો. આ ઘટનાની ગંભીરતાથી લઈને વલસાડ જિલ્લા પોલીસ વડા સહિત જિલ્લાભરના પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. મૃતકના મૃતદેહનું સુરતમાં પેનલ પોસ્ટમોર્ટમ કરાવતા પ્રાથમિક રિપોર્ટમાં યુવતી પર દુષ્કર્મ આચરી અને તેનું ગળું દબાવી હત્યા નિપજાવી હોવાનું ખુલાસો થયો હતો. આથી પોલીસે આરોપી સુધી પહોંચવા તપાસ શરૂ કરી હતી.
આરોપીને શોધવા વલસાડ જિલ્લાની એલસીબી, એસઓજી, પારડી પોલીસ સ્ટેશન સહિત જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનની 10 થી વધુ ટીમો આરોપી સુધી પહોંચવા તપાસ કરી રહી હતી. જોકે આખરે દસ દિવસ બાદ પોલીસની મહેનત રંગ લાવી અને વાપી રેલ્વે સ્ટેશનથી આરોપીની અટકાયત કરી તેની આકરી પૂછપરછ હાથ ધરી હતી. સમગ્ર મામલે કોર્ટે આરોપીના રાહુલ જાટને 10 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.