દસાડા તાલુકાના બજાણા પાસે આવેલ રેલવે ફાટકમાં ખરાબ રસ્તાને લીધે અવારનવાર ટ્રાફીક જામના દૃશ્યો સર્જાતા હતા. અનેકવાર સામાન્ય રીપેરીંગ બાદ ફરી પરીસ્થીતી જૈસે થે થતા રેલવેએ તા. રપથી 28 નવેમ્બર સુધી ફાટક બંધ રાખી સમારકામ કરવાનો નીર્ણય કર્યો છે.
દસાડા તાલુકાના બજાણા ગામ પાસે રેલવે ફાટક આવેલુ છે. આ ફાટક અમદાવાદ ડીવીઝનના વિરમગામ અને ધ્રાંગધ્રા સેકશનમાં બજાણા અને જતપીપળી રેલવે સ્ટેશને વચ્ચે આવે છે. આ ફાટકનો રોડ છેલ્લા ઘણા સમયથી બીસમાર છે. ફાટક બંધ થવાના અને ખુલવાના સમયે વારંવાર ટ્રાફીક જામ થતુ હતુ. જયારે ખરાબ રસ્તાને લીધે ભારે વાહનોને નુકશાન અને કોઈવાર રેલવે ટ્રેક પર જ ભારે વાહનો બંધ થઈ જવાના બનાવો બનતા હતા. ત્યારે રેલવે દ્વારા તા.25 નવેમ્બરના રોજ સવારે 8 કલાકથી તા. 28 નવેમ્બરના રોજ રાત્રે 9 કલાક સુધી આ ફાટક બંધ કરી સમારકામ અને જાળવણી કાર્ય હાથ ધરવાનો નીર્ણય કર્યો છે. આ ફાટક બંધ થવાથી વાહનચાલકોને મુશ્કેલી ન પડે તે માટેના નાના વાહનોને નજીકના અંડર પાસ થઈને અને ભારે વાહનોને પાટડી-વિરમગામ થઈને મુસાફરી કરવા રેલવે વિભાગે અનુરોધ કર્યો છે.