સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં વાનખેડે સ્ટેડિયમ ખાતે દિલ્હી સામેની મેચમાં ઉત્તરપ્રદેશની કેપ્ટનશિપ કરી રહેલા પેસ બોલર ભુવનેશ્વર કુમારે ટી20 ફોર્મેટમાં 300 વિકેટ પૂરી કરનાર પ્રથમ ભારતીય પેસ બોલર બનવાની સિદ્ધિ મેળવી હતી. આઇપીએલ 2024 બાદ પોતાની પ્રથમ મેચ રમી રહેલા ભુવનેશ્વરે પોતાની બીજી ઓવરમાં યશ ધુલને આઉટ કરીને આ માઇલસ્ટોન હાંસલ કર્યો હતો.
ભુવનેશ્વર પહેલાં ભારત માટે ટી20 ફોર્મેટમાં યુજવેન્દ્ર ચહલ 354, પીયૂષ ચાવલા 314 તથા અશ્વિન 310 વિકેટ ઝડપી ચૂક્યા છે. ભુવનેશ્વરે કારકિર્દીમાં 90 વિકેટ 2012થી 2022 સુધીમાં નેશનલ ટીમ તરફથી રમતી વખત ઝડપી હતી. ભુવનેશ્વર આઇપીએલની 176 મેચમાં 181 વિકેટ હાંસલ કરી ચૂક્યો છે અને તે લીગનો સૌથી સફળ બોલર રહ્યો છે.