ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં એક સાથે નવ લોકોને કચડી નાંખી મોતને ઘાટ ઉતારવાના કેસમાં આરોપી તથ્ય પ્રજ્ઞેશ પટેલના રેગ્યુલર જામીન ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ એમ.આર. મેંગડેએ આજે આકરા વલણ સાથે ધરાર ફગાવી દીધા હતા. હાઈકોર્ટએ આરોપી તથ્ય પટેલને આવા ગંભીર ગુનામાં જામીન આપવાનો ફરી એકવાર સાફ્ શબ્દોમાં ઇન્કાર કરી દીધો હતો.
હાઇકોર્ટે આરોપી તથ્ય પટેલ વિરુદ્ધના ગુનાની ગંભીરતા, તેની વારંવાર અકસ્માત કરવાની માનસિકતા સહિતના મુદ્દાઓને ધ્યાને લઇ હાઇકોર્ટે ચાર્જશીટ બાદ પણ તથ્ય પટેલ દ્વારા કરાયેલી જામીન અરજી આકરા વલણ સાથે ધરાર ફગાવી દીધી હતી.હાઇકોર્ટે તથ્યના જામીન ફ્ગાવતાં તેને આ કેસમાં ઝટકો મળ્યો છે. આરોપી તથ્ય પટેલની જામીન અરજીનો સખત વિરોધ કરતાં રાજય સરકાર તરફથી જણાવ્યું હતું કે, આરોપી તથ્ય પટેલ આ પ્રકારના ગંભીર અકસ્માતો સર્જવાની ગુનાહિત માનસિકતા ધરાવે છે. ઇસ્કોન બ્રિજ અકસ્માત પહેલાં પણ તથ્યએ બે ગંભીર અકસ્માતો સર્જયા હતા. આરોપીને જામીન અપાય તો તે ટ્રાયલને લઇ કેસના સાક્ષીઓ અને પુરાવા સાથે ચેડાં કરે તેવી શકયતા નકારી શકાય તેમ નથી.