વડોદરા : એસએસજી હોસ્પિટલની અંદર પૂર્વ કોર્પોરેટર રમેશ પરમાર (રાજા)ના ૩૫ વર્ષના પુત્ર તપનની હત્યાના બનાવમાં પોલીસે અગાઉ પાંચ આરોપીની ધરપકડ કરી હતી જેમાંથી ચાર આરોપીના રિમાન્ડ મેળવ્યા હતા. બાકીનો એક આરોપી અને વધુ ઝડપાયેલા બે મળીને ૩ આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરાયા હતા અને ૧૦ દિવસના રિમાન્ડની માગણી કરી હતી જેની સામે કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.
ત્રણ આરોપીઓ વસીમ નરમહંમદ મન્સુરી ઉપરાંત બાબરના બે ભાઇઓ સલમાન ઉર્ફે સોનુ હબીબખાન પઠાણ અને મહેબુબ હબીબખાન પઠાણને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ માટેના કારણો પોલીસે રજૂ કર્યા હતા કે ખુનની ઘટનામાં આરોપીઓની સક્રિય ભૂમિકા છે. ગુનામાં પુરાવા માટે ખુટતી કડી મેળવવા આરોપીઓની પુછપરછ કરવી જરૃરી છે. અન્ય આરોપીઓની સાથે રાખીને અને અલગ અલગ રાખીને પુછપરછ કરીને ગુના અંગે જાણકારી મેળવવાની છે.