ગુજરાત યુનિવર્સિટીના એનિમેશન વિભાગના પૂર્વ કો-ઓર્ડિનેટર કવલજિત લખતરિયાને નાણાકીય ગેરરીતિ આચરવા બદલ ટર્મિનેટ કરવાનો કાઉન્સિલમાં નિર્ણય લેવાયો છે. હવે યુનિ. દ્વારા સત્તાવાર કાર્યવાહી હાથ ધરાશે. જ્યુડિશિયલ તપાસ રિપોર્ટના આધારે આજે બુધવારે મળેલી એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠકમાં આ નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળ્યું છે.
આ અધ્યાપક દ્વારા યુનિવર્સિટીના પૈસા પરિવારના સભ્યોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવા સહિતની ગેરરીતિ આચરી હોવાની ફરિયાદો ઊઠી હતી. ગુજરાત યુનવર્સિટીના એનિમેશન વિભાગના પૂર્વ કો-ઓર્ડિનેટર અધ્યાપક કવલજિત લખતરિયા સામે એનિમેશન વિભાગમાં નાણાકીય ગેરરીતિ અને CCCની પરીક્ષામાં ગેરરીતિ આચર્યાની ફરિયાદો ઊઠી હતી. ફરિયાદના આધારે યુનિવર્સિટી દ્વારા તપાસ પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેમાં આ અધ્યાપક દ્વારા યુનિ.એ માગેલા હિસાબો પણ રજૂ કર્યા નહોતા. એ પછી હાથ ધરાયેલ તપાસમાં ગેરરીતિ આચરી હોવાનું જણાતા ગત 14 જૂનના રોજ મળેલી કાઉન્સિલની બેઠકમાં સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવા ઉપરાંત તપાસ માટે નિવૃત્ત ન્યાયધીશના નેજા હેઠળ કમિટીની રચના કરવામાં આવી હતી. આ તપાસ કમિટી દ્વારા રજૂ કરાયેલ અહેવાલ આજે ફરી મળેલી એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠકમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાં રૂ.1.5 કરોડથી વધુની નાણાકીય ગેરરીતિ સાબિત થઈ હોવાનું જાણવા મળ્યું છે. આ રિપોર્ટના આધારે કાઉન્સિલની બેઠકમાં તાત્કાલિક દોષિત અધ્યાપકને ટર્મિનેટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે હવે આગામી દિવસોમાં યુનિવર્સિટી દ્વારા સત્તાવાર રીતે આ અંગેની જાહેરાત કરાવામાં આવશે. આ સિવાય આગમી દિવસોમાં શો કોઝ નોટિસ આપીને ખુલાસો પુછવા ઉપરાંત આગળની કાર્યવાહી કરવાનું નક્કી કરવામાં આવશે.
ધર્મ-ધમ્મા કોન્ફરન્સ પાછળ યુનિ.એ રૂ.1.20 કરોડનો ખર્ચ કર્યો હતો
ગુજરાત યુનિવર્સિટી ખાતે ગત તા.23, 24 અને 25 ઓગસ્ટના રોજ યોજાયેલી ધર્મ-ધમ્મા કોન્ફરન્સમાં રૂ.1.20 કરોડનો ખર્ચ થયો હોવાની વિગત કાઉન્સિલની બેઠકમાં સામે આવી છે. આ ખર્ચ ગુજરાત યુનિવર્સિટીની GUCF ખાતે કરવામાં આવ્યો હતો. જેથી યુનિવર્સિટી દ્વારા ખર્ચના નાણા આ વિભાગમાં ટ્રાન્સફર કરવામાં આવ્યાં છે.