SFA ચેમ્પિયનશિપ 2024 અમદાવાદનો બુધવારે ભવ્ય અંદાજમાં પ્રારંભ થઈ ચૂક્યો છે. પ્રથમ દિવસે સ્વિમિંગ, ખો-ખો અને ફૂટબોલ જેવી રમતોની સ્પર્ધાઓ જોવા મળી. સ્વિમિંગ પ્રથમ દિવસની સૌથી મોટી ઈવેન્ટ રહી છે. જેમાં ઉદગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રન, થલતેજએ શાનદાર પ્રદર્શન સાથે ટોચનું સ્થાન મેળવ્યું છે.
જેનિલા લિંબાચિયાએ 100 મીટર બ્રેસ્ટસ્ટ્રોકમાં કર્યું ટોપ
ઉદગમ સ્કૂલે શાનદાર પ્રદર્શન થકી 8 ગોલ્ડ, 1 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ સાથે 46 પોઈન્ટ્સ મેળવ્યા અને બીજા ક્રમે રહેલ આનંદ નિકેતન સ્કૂલ સામે 26 પોઈન્ટ્સની લીડ મેળવી. પ્રથમ દિવસે સ્વિમિંગ સ્પર્ધામાં ઉદગમ સ્કૂલના અયાન નારંગે ટીમનું નેતૃત્ત્વ કર્યું હતું, અયાને અંડર-14માં 100 મીટર બેકસ્ટ્રોક અને 100 મીટર બ્રેસ્ટસ્ટ્રોક ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા. ગર્લ્સ અંડર-14 કેટેગરીમાં મન્નત મુલચંદાની એ સેન્ટ ઝેવિયર્સ તરફથી ભાગ લેતા 100 મીટર બેકસ્ટ્રોકમાં ગોલ્ડ જીત્યો હતો, જ્યારે એપોલો ઈન્ટરનેશનલ સ્કૂલની જેનિલા લિંબાચિયાએ 100 મીટર બ્રેસ્ટસ્ટ્રોકમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું.
આ ઈવેન્ટમાં 14,764 એથ્લિટ્સ રમતા જોવા મળશે
SFAએ ગ્રાસરુટ પર સ્પોર્ટ્સને વધુ પ્રોફેશનલ બનાવવા ઉપરાંત વધુમાં વધુ આયોજન કરવા માટે કટિબદ્ધ છે. જેનો હેતુ રમત માટે સમગ્ર દેશમાં સંસ્કૃતિ તૈયાર કરવામાં રોકાણ કરે છે. આ વર્ષની ચેમ્પિયનશિપ 26 નવેમ્બર સુધી ચાલશે, જે અમદાવાદમાંથી શ્રેષ્ઠ ટેલેન્ટેડ ખેલાડીઓને શોધવા મદદરૂપ થશે. આ ઈવેન્ટમાં 14,764 એથ્લિટ્સ રમતા જોવા મળશે. 387 શાળાના 3થી 18 વર્ષની વયના આ બાળકો ભાગ લેશે.
આરુષી શાહે ગર્લ્સ કેટેગરીમાં ગોલ્ડ જીત્યો
દિવસના બીજા ભાગમાં સ્વિમિંગમાં વધુ વિજેતાઓ જોવા મળ્યા. નિરમા વિદ્યાવિહારના હૃદાન શાહે બોય્ઝ અંડર-16ની 50 મીટર ફ્રીસ્ટાઈલમાં, જ્યારે શાંતિ એશિયાટિક સ્કૂલની નિહારિકા મિશ્રાએ ગર્લ્સ ઈવેન્ટમાં ગોલ્ડ જીત્યો. અંડર-10ની 50 મીટર બટરફ્લાયમાં જેમ્સ જીનેસિસ ઈન્ટરનેશનલ સ્કૂલના નિધાન આનંદે બોય્ઝ કેટેગરીમાં અને અમદાવાદ ઈન્ટરનેશનલ સ્કૂલની આરુષી શાહે ગર્લ્સ કેટેગરીમાં ગોલ્ડ જીત્યો હતો.
અનેક રમતમાં મોટી સંખ્યામાં ખેલાડીઓ લેશે ભાગ
SFA ચેમ્પિયનશિપમાં અમદાવાદમાં 2 વિશેષ દિવસની ઉજવણી કરવામાં આવશે. 22મી નવેમ્બરને ‘કોચ ડે’ તથા 24મી નવેમ્બરને ‘શી ઈઝ ગોલ્ડ- ડે’ તરીકે ઉજવવામાં આવશે. SFA ચેમ્પિયનશિપમાં એથ્લેટિક્સ, બેડમિન્ટન, ફૂટબોલ, ચેસ, કબડ્ડી, કરાટે, સ્વિમિંગ, ખો-ખો, બાસ્કેટબોલ, ટેબલ ટેનિસ, વોલીબોલ અને યોગાસન જેવી રમતોમાં ખેલાડીઓ ભાગ લેશે.