પાકિસ્તાનમાં એક સુરક્ષા ચોકી પર એક આત્મઘાતી બોમ્બરે વિસ્ફોટકોથી ભરેલા વાહનમાં બ્લાસ્ટ કર્યો છે. આ હુમલામાં લગભગ 17 સુરક્ષાકર્મીઓના મોત થયા છે, જ્યારે ઘણા ઘાયલ થયા છે.
પાકિસ્તાનમાં એક સુરક્ષા ચોકી પર એક આત્મઘાતી બોમ્બરે વિસ્ફોટકોથી ભરેલા વાહનમાં વિસ્ફોટ કર્યો છે. આ હુમલામાં લગભગ 17 સુરક્ષાકર્મીઓના મોત થયા છે, જ્યારે ઘણા ઘાયલ થયા છે. આ હુમલો ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના બન્નુ જિલ્લામાં થયો હતો. પાકિસ્તાની તાલિબાનના વિભાજિત જૂથ હાફિઝ ગુલ બહાદુર જૂથે હુમલાની જવાબદારી સ્વીકારી હતી. જો કે સરકારે આ ઘટના અંગે કોઈ ટિપ્પણી કરી નથી, પરંતુ સુરક્ષા અને ગુપ્તચર અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે, તેઓ હુમલા માટે જવાબદાર લોકો સામે ઓપરેશન ચલાવી રહ્યા છે.
પાકિસ્તાનમાં આતંકી હુમલા વધ્યા
સ્થાનિક મીડિયાએ જણાવ્યું કે, આતંકવાદીઓએ મંગળવારે મોડી રાત્રે બન્નુ જિલ્લાના મલીખેલ વિસ્તારમાં એક સંયુક્ત ચેક પોસ્ટ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ સુરક્ષા દળોએ પોસ્ટમાં પ્રવેશવાના તેમના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો. ISPRએ જણાવ્યું હતું કે આત્મઘાતી વિસ્ફોટને કારણે દિવાલનો એક ભાગ તૂટી પડ્યો હતો અને આસપાસના માળખાને નુકસાન થયું હતું, પરિણામે 10 સુરક્ષા દળો અને બે ફ્રન્ટિયર કોન્સ્ટેબલરીના કર્મચારીઓ સહિત 12થી વધુ સુરક્ષા કર્મચારીઓના મોત થયા હતા.
પાકિસ્તાનમાં આતંકવાદી ઘટનાઓ વધી
સેનાએ કહ્યું કે ત્યારબાદ થયેલી ગોળીબારમાં છ આતંકીઓ પણ માર્યા ગયા. ઘાયલોને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. દેશના નાગરિક અને સૈન્ય નેતૃત્વએ મંગળવારે બલૂચિસ્તાનમાં આતંકવાદી સંગઠનો વિરુદ્ધ “વિશાળ સૈન્ય કાર્યવાહીને મંજૂરી આપ્યાના એક દિવસ બાદ આ આવ્યું છે. સુરક્ષા દળો અને કાયદા અમલીકરણ એજન્સીઓએ કહ્યું કે તેઓ આતંકવાદના જોખમને ખતમ કરવા માટે પ્રતિબદ્ધ છે. સમગ્ર દેશમાં, ખાસ કરીને બલૂચિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં, છેલ્લા વર્ષમાં આતંકવાદ સંબંધિત ઘટનાઓમાં તીવ્ર વધારો જોવા મળ્યો છે.