ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચેનો વિવાદ વધુ ઘેરો બની રહ્યો છે. આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ને જાણ કરી કે ભારતીય ટીમ સુરક્ષા કારણોસર પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે. તેના જવાબમાં, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ સ્પષ્ટ કર્યું કે તેઓ હાઇબ્રિડ મોડલને સ્વીકારશે નહીં અને ટૂર્નામેન્ટની યજમાનીના તેમના અધિકાર સાથે ઊભા રહેશે.
શોએબ અખ્તરે આપ્યું મોટું નિવેદન
ભૂતપૂર્વ પાકિસ્તાની ફાસ્ટ બોલર શોએબ અખ્તરે આ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું, “ભારત અને પાકિસ્તાન વચ્ચે પડદા પાછળ વાતચીત થવી જોઈએ. આપણે આશા જાળવી રાખવી જોઈએ. એ હકીકત છે કે ICCની 95-98 ટકા સ્પોન્સરશિપ ભારતમાંથી આવે છે. આવી સ્થિતિમાં કંઈક ઉકેલ મળી જશે.”
સરકાર પર નિર્ભર છે ભારતનો પાકિસ્તાન પ્રવાસ
શોએબ અખ્તરે એમ પણ કહ્યું, “આ બધું સરકારો પર નિર્ભર કરે છે, તેને BCCI સાથે કોઈ લેવાદેવા નથી. વિરાટ કોહલી પહેલીવાર પાકિસ્તાનમાં રમવા માંગે છે. પાકિસ્તાનીઓ પણ વિરાટને તેમના દેશમાં રમતા જોવા માંગે છે. જો વિરાટ અહીં સદી ફટકારે તો તે તેના કરિયરની એક ખાસ ક્ષણ હશે. પાકિસ્તાનને હંમેશા એવો ટેગ રહ્યો છે કે તે મોટી ટુર્નામેન્ટનું આયોજન કરી શકતું નથી. જો આ ચેમ્પિયન્સ ટ્રોફી થશે તો તેનાથી મોટી ઈવેન્ટ્સનો માર્ગ ખુલશે. જો કે મને હજુ પણ લાગે છે કે તે થવાની સંભાવના નથી, પરંતુ આંગળીઓને ક્રોસ કરીને રાહ જોઈશું.
ICCએ પાકિસ્તાનને હાઈબ્રિડ મોડલનો આપ્યો પ્રસ્તાવ
દરમિયાન, સૂત્રોના જણાવ્યા અનુસાર, ICC અને PCB વચ્ચે સતત વાતચીત ચાલી રહી છે અને આ સપ્તાહના અંત સુધીમાં ટૂર્નામેન્ટનું શેડ્યૂલ નક્કી થઈ શકે છે. ICC આ ટૂર્નામેન્ટને લઈને પાકિસ્તાન ક્રિકેટ સાથે સતત વાત કરી રહ્યું છે. આ સિવાય ICCએ ફરી એકવાર PCBને હાઈબ્રિડ મોડલ ઓફર કર્યું છે. ICCએ તો ત્યાં સુધી કહ્યું છે કે ટીમ ઈન્ડિયા વિના કોઈપણ ICC ટૂર્નામેન્ટ શક્ય નથી. તેના PCBને પણ ભારત વિરૂદ્ધ નિવેદનો કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે