સુરેન્દ્રનગરના પાટડીમાં જુગારધામ પર SMCની રેડ બાદ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પાટડી પોલીસના PI એમ.કે.ઝાલાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને પીઆઈની સાથે જ અન્ય 3 કોન્સ્ટેબલને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ડોદરામાં એસીબી પીઆઈ કમલેશ ઠાકોરનો ભાઈ કિરણ ઠાકોર ચલાવતો હતો જુગાર ધામ
તમને જણાવી દઈએ કે વડોદરા ACBના પીઆઈનો ભાઈ જ આ જુગારધામ ચલાવતો હતો અને સુરેન્દ્રનગર જિલ્લા SP ગીરીશ પંડ્યા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. પાટડીમાં રહેણાંક મકાનમાં જુગારધામ ચાલતું હતું. જેમાં SMCએ રેડ કરીને 5 મહિલાઓ સહિત 25 જુગારીઓને ઝડપી લીધા હતા. વડોદરામાં એસીબી પીઆઈ કમલેશ ઠાકોરનો ભાઈ કિરણ ઠાકોર જ આ જુગાર ધામ ચલાવતો હતો. ત્યારે SMCએ રેડ કરીને લાખો રૂપિયાનો મુદ્દામાલ પણ કબ્જે કર્યો હતો.
પાટડી પોલીસ ઉંઘતી રહી અને SMCએ કર્યા દરોડા
પાટડીમાં પોલીસ અંધારામાં રહી અને SMCએ રેડ કરીને ખેલ પાડી દીધો હતો અને રેડ દરમિયાન SMCની ટીમે 25 જેટલા લોકોને જુગાર રમતા ઝડપી લીધા હતા, જેમાં 5 મહિલાઓનો પણ સમાવેશ થાય છે. SMCની ટીમે રેડ દરમિયાન મોબાઈલ ફોન, વાહનો સહિત 6 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ત્યારે આ જુગારધામ કોની રહેમ નજર હેઠળ ચાલતું હતું તે પણ સૌથી મોટો સવાલ છે.
મોબાઈલ, કાર, રોકડ સહિતનો મુદ્દામાલ SMCની ટીમે જપ્ત કર્યો
સુરેન્દ્રનગરના પાટડીના વેલનાથ નગર વિસ્તારમાં રહેણાંક મકાનમાં મોટો જુગાર ધામ ચાલતો હતો અને SMCની ટીમને આવતાં જોતા જ મકાનના બારણાં બંધ કરી દેવામાં આવ્યા હતા અને બારણાં તોડીને SMCની ટીમે અંદર પ્રવેશ કર્યો હતો અને જુગારીઓને પકડ્યા હતા અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.