અમદાવાદમાં વધુ એક પીઆઈ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. શહેરના વધુ એક પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એલિસબ્રિજ પોલીસ સ્ટેશનના પીઆઈ બી.ડી.ઝીલરીયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ફરજમાં બેદરકારી બદલ પીઆઈ બી.ડી.ઝીલરીયા સામે કાર્યવાહી કરવામાં આવી છે.
અમદાવાદમાં એક જ દિવસમાં બે પીઆઈને કરાયા સસ્પેન્ડ
તમને જણાવી દઈએ કે નહેરુનગર ફાયરિંગ અને હત્યા કેસમાં કાર્યવાહીમાં બેદરકારી બદલ પીઆઈ બી.ડી.ઝીલરીયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અમદાવાદમાં એક જ દિવસમાં બે પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. થોડા સમય પહેલા જ અમદાવાદના કાગડાપીઠ પોલીસ સ્ટેશનના પીઆઈને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અગાઉની ફરિયાદ ધ્યાનમાં ન લેવા બાબતે કાગડાપીઠના પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કાગડાપીઠ પીઆઇ એસ.એ.પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે તપાસમાં બેદરકારી રાખતા તમામ અધિકારીઓ સામે પોલીસ કમિશનર એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે અને બેદરકાર અધિકારીઓ સામે પોલીસ કમિશનર આકરા પગલા લઈ રહ્યા છે.
એલિસબ્રિજ વિસ્તારમાં શાકભાજીના વિક્રેતાની હત્યા થઈ હતી
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જ અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં શાકભાજીના વિક્રેતાની હત્યા કરવામાં આવી હતી અને આ હત્યામાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે અત્યાર સુધીમાં કુલ 4 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. જેમાં એક આરોપી મૃતકનો જ ભત્રીજો છે, જેણે હત્યા કરવા માટે સોપારી પણ આપી હતી અને બીજા 3 આરોપીઓ કે જેઓ હત્યામાં સામેલ હતા, તેમની ધરપકડ કરી લેવામાં આવી છે. મધ્યપ્રદેશના રતલામાથી આ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
અમદાવાદમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી
તમને જણાવી દઈએ કે અમદાવાદમાં નવેમ્બર મહિનામાં અત્યાર સુધી જ 4 હત્યાના બનાવો બની ચૂક્યા છે, 10 નવેમ્બરે બોપલમાં વિદ્યાર્થીની હત્યા, 11 નવેમ્બરે બોપલમાં જમીન દલાલની હત્યા, 16 નવેમ્બરે એલિસબ્રિજ વિસ્તારમાં શાકભાજીના વિક્રેતાની હત્યા, 18 નવેમ્બરે કાગડાપીઠ વિસ્તારમાં હત્યાની ઘટનાઓ બની છે. ત્યારે આ સ્થિતિ જોતા શહેરમાં કાયદો અને વ્યવસ્થાને લઈને પણ પોલીસ પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.