વધતા વાયુ પ્રદૂષણને કારણે માત્ર દિલ્હીમાં જ નહીં પરંતુ પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. એર ક્વોલિટી ઈન્ડેક્સ ખતરનાક સ્તરે પહોંચવાને કારણે પાકિસ્તાનની પંજાબ સરકારે આવતા અઠવાડિયે લાહોર અને મુલતાનમાં ત્રણ દિવસ માટે સંપૂર્ણ લોકડાઉન જાહેર કરી દીધું છે. આ બંને શહેરોમાં AQI 2000ને પાર કરી ગયો છે.
મીડિયા રિપોર્ટ મુજબ આગામી શુક્રવાર, શનિવાર અને રવિવારથી લાહોર અને મુલતાનમાં લોકડાઉન સંપૂર્ણ અમલમાં રહેશે, જ્યારે સોમવાર, મંગળવાર અને બુધવારે સ્થિતિ પર નજર રાખવામાં આવશે. જો હવાની ગુણવત્તા બગડે તો વધુ લોકડાઉન લાદવામાં આવી શકે છે.
મંત્રીએ કરી કોવિડ સમયગાળા સાથે સરખામણી
પાકિસ્તાનના માહિતી અને પર્યાવરણ સુરક્ષા મંત્રી મરિયમ ઔરંગઝેબે લાહોરમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતી વખતે, પરિસ્થિતિની ગંભીરતા વિશે વાત કરી હતી અને ધુમ્મસને કારણે થતા આરોગ્યના જોખમોની તુલના COVID-19 રોગચાળાના જોખમો સાથે કરી હતી.
તેમને કહ્યું કે ધુમ્મસને કારણે શ્વસન સંબંધી સમસ્યાઓમાં વધારો થયો છે, જેના કારણે પંજાબમાં માત્ર એક અઠવાડિયામાં 600,000 થી વધુ લોકોને અસર થઈ છે અને છેલ્લા અઠવાડિયામાં 65,000 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આને ધ્યાનમાં રાખીને, પેરામેડિકલ સ્ટાફની રજાઓ રદ્દ કરવામાં આવી છે અને ઓપીડીનો સમય રાત્રે 8 વાગ્યા સુધી લંબાવવામાં આવ્યો છે.
આ નિયંત્રણો લાદવામાં આવ્યા
ધુમ્મસને જોતા પંજાબ સરકારે પહેલા જ અનેક દુકાનો, મેરેજ હોલ અને રેસ્ટોરન્ટને સીલ કરી દીધી છે. પાકિસ્તાનના પેશાવર, ખૈબર, પખ્તુનખ્વા વિસ્તારમાં હેલ્થ ઈમરજન્સી લાગુ કરવામાં આવી છે. આ લોકડાઉન દરમિયાન બસ સેવાઓ, શાળાઓ અને યુનિવર્સિટીઓ બંધ કરી દેવામાં આવી છે. આ સિવાય હોટલ અને રેસ્ટોરન્ટ 8 વાગ્યા પછી કામ કરશે નહીં અને તમામ ખાનગી ઓફિસો 50% ક્ષમતા સાથે કામ કરશે.
પાકિસ્તાનના કેટલાક શહેરોમાં આર્ટિફિશિયલ વરસાદનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પાકિસ્તાને અઝરબૈજાનમાં COP 29 દરમિયાન વાયુ પ્રદૂષણનો મુદ્દો ઉઠાવ્યો છે.