આ દિવસોમાં વેસ્ટ ઈન્ડિઝ અને ઈંગ્લેન્ડ વચ્ચે T20 સિરીઝ રમાઈ રહી છે. વેસ્ટ ઈન્ડિઝે સિરીઝની ચોથી મેચમાં શાનદાર જીત હાંસલ કરી હતી. આ મેચમાં કંઈક એવું જોવા મળ્યું જેણે બધાને ચોંકાવી દીધા. ઈંગ્લેન્ડના સ્પિન બોલર રેહાન અહેમદે બોલિંગ કરતા પોતાની એક ઓવરમાં ત્રણ બોલમાં સતત ત્રણ વિકેટ ઝડપી હતી. પરંતુ તેમ છતાં તેને હેટ્રિક મળી નથી, જેનું મુખ્ય કારણ હવે સામે આવ્યું છે.
સતત 3 વિકેટ છતાં ન મળી હેટ્રિક
ચોથી T20 મેચમાં સ્પિન બોલર રેહાન અહેમદે શાનદાર બોલિંગનું પ્રદર્શન કર્યું હતું. ઈંગ્લેન્ડ તરફથી બોલિંગ કરતી વખતે રેહાને 4 ઓવરમાં 43 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. રેહાને એક જ ઓવરમાં આ ત્રણ વિકેટ ઝડપી હતી. રેહાને સતત ત્રણ બોલમાં એવિન લુઈસ, શાઈ હોપ અને નિકોલસ પૂરનને આઉટ કર્યા હતા. પરંતુ આ તેની હેટ્રિક માનવામાં આવી ન હતી. વાસ્તવમાં, શાઈ હોપ રન આઉટ થયો હતો, નિયમો અનુસાર, રનઆઉટની વિકેટ હેટ્રિક માટે ગણાતી નથી, જેના કારણે રેહાનને હેટ્રિક મળી નથી.
વેસ્ટ ઈન્ડિઝે આ મેચ 5 વિકેટે જીતી
આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 218 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ તરફથી બેટિંગ કરતા જેકોબે 32 બોલમાં સૌથી વધુ 62 રનની ઈનિંગ રમી હતી. જેમાં તેના બેટમાંથી ચાર ચોગ્ગા અને પાંચ છગ્ગા આવ્યા હતા. આ સિવાય ફિલ સોલ્ટે 55 રન બનાવ્યા હતા. આ પછી વેસ્ટ ઈન્ડિઝે આ મોટો ટાર્ગેટ એક ઓવર પહેલા જ હાંસલ કરી લીધો હતો.
વેસ્ટ ઈન્ડિઝ તરફથી બેટિંગ કરતા ઈવિન લુઈસે સૌથી વધુ 68 રનની ઈનિંગ રમી હતી. લુઈસે તેની ઈનિંગમાં 7 શાનદાર સિક્સર ફટકારી હતી. આ સિવાય શાઈ હોપે 54 રનની ઈનિંગ રમી હતી. આ મેચ પહેલા વેસ્ટ ઈન્ડિઝને સિરીઝની પ્રથમ ત્રણ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. હવે સિરીઝ 4-1 પર આવી ગઈ છે. હવે વેસ્ટ ઈન્ડિઝ અને ઈંગ્લેન્ડ વચ્ચે સિરીઝની છેલ્લી અને પાંચમી મેચ 18 નવેમ્બરે રમાશે.