મહારાષ્ટ્રના મુંબઈમાં બાબા સિદ્દીકીની હત્યા કેસ મામલે આણંદના પેટલાદના એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. આણંદ જિલ્લાના પેટલાદના રહેવાસી સલમાનભાઈ ઈકબાલભાઈ વ્હોરાની ધરપકડ કરવામાં આવી છે. સિદ્દીકી હત્યા કેસમાં અત્યાર સુધી 25 લોકોની ધરપકડ થઈ ચૂકી છે.
મુંબઈના ઘાટકોપરથી ધરપકડ કરવામાં આવી
તમને જણાવી દઈએ કે પેટલાદના આ શખ્સ સલમાનભાઈ ઈકબાલભાઈ વ્હોરાની ધરપકડ અંગે જાણવા મળ્યું છે કે તેણે આ વર્ષે મે મહિનામાં બેન્ક ખાતું ખોલાવ્યું હતું અને ધરપકડ કરવાામાં આવેલા ઘણા આરોપીઓને તેને આર્થિક મદદ કરી હોવાનું સામે આવ્યુ છે. મુંબઈના ઘાટકોપરથી ધરપકડ કરવામાં આવી છે.
હત્યા કેસના મુખ્ય આરોપી શિવકુમારની બહરાઈચથી ધરપકડ
તમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા જ બાબા સિદ્દીકી હત્યા કેસમાં પોલીસને મોટી સફળતા મળી હતી. પોલીસે મુખ્ય શૂટરની ધરપકડ કરી હતી. STF ઉત્તર પ્રદેશ અને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની સંયુક્ત કાર્યવાહીમાં નાનપારા બહરાઈચ જિલ્લામાંથી શૂટર શિવકુમારની ધરપકડ કરવામાં આવી હતી. મુખ્ય આરોપી શિવકુમાર નેપાળ ભાગી જવાની ફિરાકમાં હતો પણ તે પહેલા જ પોલીસે તેની ધરપકડ કરીને તેનો પ્લાન નિષ્ફળ બનાવ્યો હતો. આ સાથે જ પોલીસે અનુરાગ કશ્યપ,આકાશ શ્રીવાસ્તવ, જ્ઞાનપ્રકાશ ત્રિપાઠી અને અખિલેશેન્દ્ર પ્રતાપ સિંહની પણ શિવકુમારને આશરો આપવા અને નેપાળ ભાગી જવામાં મદદ કરવાના ગુનામાં ધરપકડ કરી લીધી હતી.
તમામ શંકાસ્પદોની પોલીસ કરી રહી છે પૂછપરછ
ઉલ્લેખનીય છે કે અગાઉ પોલીસે 2 શંકાસ્પદ શૂટર્સ સહિત કૂલ 11 લોકોની ધરપકડ કરી લીધી હતી પણ તેમાં મુખ્ય શૂટર અને 2 કાવતરાખોરો ફરાર હતા. જેની બહરાઈચથી ધરપકડ કરી લેવામાં આવી હતી. પોલીસ આ કેસમાં તમામ એન્ગલથી તપાસ કરી રહી છે અને એક પણ શંકાસ્પદ વ્યક્તિને છોડવામાં આવી રહ્યો નથી, પોલીસ દ્વારા તેની કડક પૂછપરછ કરવામાં આવી રહી છે.