સુરતમાં નેશનલ હાઈવે 48 પર ફરી એક વખત ભારે ટ્રાફિક જામ સર્જાયો છે. નેશનલ હાઈવે 48 ઉપર 15 કિલોમીટર જેટલો લાંબો ટ્રાફિકજામ સર્જાયો છે, જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે.
કીમ ચાર રસ્તાથી ધામડોદ પાટિયા સુધી ટ્રાફિક જામ
કીમ ચાર રસ્તાથી માંગરોળના ધામડોદ પાટિયા સુધી 15 કિલોમીટર સુધીનો ટ્રાફિક જામ સર્જાયો છે. તમને જણાવી દઈએ કે ગઈકાલ રાતથી આ રોડ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો છે. મોટી નરોલી ગામ પાસે કીમ નદીના બ્રિજ પર સમારકામ ચાલી રહ્યું છે, તેના કારણે આ ભારે ટ્રાફિકજામ સર્જાયો છે. આ ટ્રાફિકજામમાં અનેક વાહન ચાલકો અને એમ્બ્યુલન્સ અટવાઈ હતી. ત્યારે ટ્રાફિક જામ અંગેની જાણકારી પોલીસને મળતા જ કોસંબા પોલીસ, પાલોદ પોલીસ અને જિલ્લા ટ્રાફિકની ટીમો ટ્રાફિક વ્યવસ્થામાં લાગી અને ટ્રાફિક કલીયર કરવાની કામગીરી શરૂ કરી છે.
ગઈકાલે જંબુસર-ભરૂચ નેશનલ હાઈવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો
ગઈકાલે શનિવારે જંબુસર ભરૂચ નેશનલ હાઈવે પર ફરી એક વખત ટ્રાફિકજામ સર્જાયો હતો. નેશનલ હાઈવે 64 ઉપર 10 કિલોમીટર જેટલો લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. આમોદથી ભરૂચ જતા તણછા ગામ પાસે આ લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. તણછા ગામ નજીક મોટી ટ્રક રોડ ઉપર આડી થઈ જતા ભારે ટ્રાફિક જામ લાગ્યો હતો અને તેના કારણે અનેક વાહન ચાલકોને પરેશાન થવાનો વારો આવ્યો હતો. ગાડીની એક્સલ તુટી જવાથી ગાડી રસ્તામાં જ આડી થઈ હતી અને જેને લઈને ટ્રાફિકની મોટી સમસ્યા સર્જાઈ હતી. ટ્રક રોડ ઉપર આડી થઈ જતા આશરે 2 કલાક સુધી પણ ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ આવ્યું નહતું.
પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક દૂર કરવાની કવાયત હાથ ધરી હતી
ત્યારે ટ્રાફિક જામ થવાના કારણે અનેક વાહન ચાલકો ટ્રાફિકમાં ફસાયા હતો અને સાથે સાથે એસ ટી બસમાં પણ પેસેન્જરો ગરમી હેરાન થઈ ગયા હતા. 2 કલાક સુધી પણ ટ્રાફિકનું સમસ્યાનું નિરાકરણ ના આવતા આખરે આમોદ પોલીસને જાણ થતાં જ આમોદ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને ટ્રાફિક દૂર કરવાની કવાયત શરૂ કરી હતી.