ભારતીય ટીમે ત્રીજી T20 મેચમાં દક્ષિણ આફ્રિકાને 11 રને હરાવ્યું. આ સાથે જ ટીમ ઈન્ડિયાએ સિરીઝમાં 2-1ની સરસાઈ મેળવી લીધી છે. ટીમ ઈન્ડિયાએ આફ્રિકાને જીતવા માટે 220 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેના જવાબમાં આફ્રિકાની ટીમ માત્ર 208 રન જ બનાવી શકી હતી. ટીમ ઈન્ડિયા માટે તિલક વર્માએ સદી ફટકારી અને અર્શદીપ સિંહે ડેથ ઓવરોમાં જોરદાર બોલિંગ કરી. દક્ષિણ આફ્રિકા માટે ત્રીજી T20 મેચમાં વરૂણ ચક્રવર્તીએ ભલે સારું પ્રદર્શન ન કર્યું હોય, પરંતુ તેણે એક મોટો ચમત્કાર કરી બતાવ્યો છે. તેણે પોતાની ચાર ઓવરમાં 54 રન આપીને 2 વિકેટ લીધી હતી.
વરૂણ ચક્રવર્તીએ દ્વિપક્ષીય સિરીઝમાં અજાયબીઓ કરી
વરૂણ ચક્રવર્તી T20I દ્વિપક્ષીય સિરીઝમાં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય બોલર બની ગયો છે. તેણે રવિચંદ્રન અશ્વિન અને રવિ બિશ્નોઈને પાછળ છોડી દીધા છે. અશ્વિને 2016માં શ્રીલંકા સામેની T20I દ્વિપક્ષીય સિરીઝમાં 9 વિકેટ લીધી હતી. જ્યારે બિશ્નોઈએ વર્ષ 2023માં ઓસ્ટ્રેલિયા સામે T20I દ્વિપક્ષીય સિરીઝમાં 9 વિકેટ લીધી હતી. હવે વરૂણ આ બધાથી આગળ નીકળી ગયો છે અને તેણે દક્ષિણ આફ્રિકા સામે ચાલી રહેલી સિરીઝમાં 11 વિકેટ પોતાના નામે કરી લીધી છે. વરુણે સાઉથ આફ્રિકા સામે પહેલી વિકેટ લેતાની સાથે જ આ કરિશ્મા કરી દીધો છે. વરૂણ પહેલા, કોઈપણ ભારતીય બોલરે T20I દ્વિપક્ષીય સિરીઝમાં 10 કે તેથી વધુ વિકેટ લીધી ન હતી.
વર્ષ 2021માં કર્યું હતું ડેબ્યૂ
વરૂણ ચક્રવર્તીએ વર્ષ 2021માં T20 ઈન્ટરનેશનલમાં ભારતીય ટીમ માટે ડેબ્યૂ કર્યું હતું. આ પછી તેને ટી20 વર્લ્ડ કપ 2021 માટે પણ પસંદ કરવામાં આવ્યો હતો. જ્યાં તે સારું પ્રદર્શન કરી શક્યો નહોતો. આ પછી તેને ટીમ ઈન્ડિયામાંથી બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો હતો. પરંતુ તેણે આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કરવાનું ચાલુ રાખ્યું હતું. ત્યારબાદ સૂર્યાની કપ્તાનીમાં તેનું નસીબ બાંગ્લાદેશ સામે ખુલ્યું અને તેણે ટીમ ઈન્ડિયામાં પ્રવેશ કર્યો.
તિલક વર્માએ ફટકારી હતી સદી
પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમ માટે તિલક વર્માએ જોરદાર સદી ફટકારી હતી અને 107 રનની ઇનિંગ રમી હતી. તેના સિવાય અભિષેક શર્માએ 50 રન બનાવ્યા હતા. આ ખેલાડીઓના કારણે જ ભારતીય ટીમ 200 પ્લસ રન બનાવવામાં સફળ રહી હતી. જે બાદ અર્શદીપ સિંહે ત્રણ વિકેટ લઈને મેચને ભારત તરફ વાળ્યો હતો.