જમીન મહેસૂલ અંર્તગત બોનાફાઈડ પરચેઝરના કિસ્સામાં ખેતીથી ખેતી અને બિનખેતીના હેતુફેરના કિસ્સામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કલેક્ટરોની સત્તામાં વધારો કર્યો છે. હવેથી આ પ્રકારના કેસોમાં પ્રવર્તમાન જંત્રી મુજબ રૂપિયા પાંચ કરોડ સુધીનુ મૂલ્ય ધરાવતી જમીનના કિસ્સામાં પ્રીમિયમનો નિર્ણય સરકારને બદલે કલેક્ટર સ્તરેથી થઈ શકશે. ગુજરાત સરકાર આગામી સમયમાં જંત્રીના દરોમાં ફેરફાર કરવા આગળ વધી રહી છે તે પહેલા આ નિર્ણય કરવામાં આવ્યો છે.
મુખ્યમંત્રીના ઉપરોક્ત નિર્ણય અંગે મહેસૂલ વિભાગના સંયુક્ત સચિવ એસ.સી.પટેલની સહીથી ગુરૂવારે સાંજે ઠરાવ પ્રસિદ્ધ થતા તેનો અમલ પણ 14 નવેમ્બર 2024થી કરવા કલેક્ટરોને સુચના અપાઈ છે. સાંપ્રત સમયમાં જે જમીનનું વેલ્યુએશન હાલની જંત્રી મુજબ રૂપિયા 50 લાખથી વધારે હોય તેવા કિસ્સાઓમાં બોનાફાઈડ પરચેઝરને રાજ્યકક્ષાએથી ફરજિયાત મંજૂરી લેવાની રહે છે. હવે તેની મર્યાદા વધારીને રૂપિયા પાંચ કરોડ સુધી કરવામાં આવી છે. મુખ્યમંત્રીના આવા નિર્ણયને કારણે મોટા પ્રોજેક્ટ અને મૂલ્યવાન જમીનો ઉપર થતા ઔદ્યોગિક સહિત અર્થતંત્રને ગતિ આપતા વિકાસ- રોજગારી અને આવાસ-પર્યટનલક્ષી પ્રોજેક્ટમાં ગતિ આવશે. કારણ મોટા વોલ્યુમ ધરાવતા જમીનના કેસોનો નિર્ણય રાજ્યકક્ષાએ આવશે નહી અને જિલ્લાકક્ષાએ જ નિર્ણયો થતા મંજૂરીની પ્રક્રિયામાં સમય વેડફાશે નહી. સત્તાના વિકેન્દ્રીકરણમાં મહત્વરૂપ નિર્ણયથી તમામ પ્રક્રિયાઓ વધુ વેગવંતી થશે. મહેસૂલ વિભાગના 17મી માર્ચ 2017ના ઠરાવ અનુસાર બોનાફાઈડ પરચેઝરના કેસમાં જમીન વેલ્યુએશનના આધારે પ્રીમિયમ વસૂલાતની સત્તાઓમાં લાંબા સમય બાદ ફેરફાર કરાયો છે. વર્તમાનમાં જે સત્તા કલેક્ટરને આધિન માત્ર 50 લાખની મર્યાદામાં હતી તેમાં વધારો કરીને રૂપિયા પાંચ કરોડ કરાઈ છે. તેથી વધુ મૂલ્યની જમીનના કેસ પહેલાની જેમ રાજ્યકક્ષાએ નિર્ણય માટે રજૂ કરવાના રહેશે. મહેસૂલ વિભાગના અધિકારીએ જણાવ્યુ કે, પ્રીમિયમ વસૂલાતની મજૂંરીની સત્તાનો વ્યાપ વધતા અમદાવાદ, સુરત, વડોદરા, કચ્છ અને કંઈક અંશે જામનગર તેમજ ગાંધીનગર જિલ્લાઓમાંથી પ્રિમયમ પાત્ર જે કેસ રાજ્યકક્ષાએ આવી રહ્યા છે તેમાં ઘટાડો થશે.