અમદાવાદ જિલ્લાના માંડલ નગર અને 36 ગામોનો તાલુકો હોવા છતાં હજુ કેટલીક સુવિધાઓથી આ તાલુકો વંચિત ગણાય છે. માંડલ બસ સ્ટેશનથી દરરોજ સવારે 4.30 કલાકે ઉપડી વિરમગામ થઈ અમદાવાદ બસ સ્ટેશન સુધી જતી હતી અને આ નિયમીત અપડાઉન છેલ્લાં 30 વર્ષથી આ બસ કરતી અને તે બેચરાજી ડેપોની બસ છે.
ઘણાંય વર્ષોથી આ બસ સવારે માંડલથી અમદાવાદ અને સાંજે રીર્ટન અમદાવાદથી માંડલ આવીને રાત્રી રોકાણ કરતી. જેથી વહેલી સવારે અમદાવાદ જવા વાળા મુસાફરોને આ બસ સૌથી વધારે અનુકુળ રહેતી હતી. આ બસમાં વર્ષોથી અમદાવાદ અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ અપડાઉન કરે, જેમને નોકરી-ધંધાનો સમય સાચવવાનો હોય જેમકે, સવારે 8 વાગ્યે અમદાવાદ પહોંચવુ હોય તેવા નોકરિયાત મુસાફરો પણ આ બસમાં નિયમિત અપડાઉન કરતાં, સવારે 6 કલાકે વિરમગામ રેલ્વે સ્ટેશનથી મુંબઈ જતી ટ્રેન પણ મુસાફરોને સમયસર મળી જતી હતી. જેથી શંખેશ્વરથી માંડલ આવીને મુંબઈ પહોંચવાવાળા યાત્રિકોને પણ આ બસ વધુ સાનુકુળ રહેતી, પરંતુ છેલ્લાં દોઢેક વર્ષથી આ બેચરાજી ડેપોએ ફાળવેલી વર્ષોથી જુની માંડલ-અમદાવાદ બસ જે રુટ બંધ થઈ જતાં વિદ્યાર્થીઓ, નોકરિયાત, વ્યવસાયિક મુસાફરોને પારાપાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. પોતાના સમયે અમદાવાદ ના પહોંચી શકે એવી સવારે 6 વાગ્યા પહેલાં કોઈ બસ હાલમાં નહીં હોવાથી સ્થાનિક મુસાફરો હવે કંટાળ્યા છે. આ બસ છેલ્લાં એકાદ દોઢ વર્ષથી બંધ હોવાથી મુસાફરો પણ અટવાય છે અને રઝળતા રઝળતા અમદાવાદ સુધી પહોંચે છે. ક્યારેક વિદ્યાર્થીઓ કોલેજ મોડા પહોંચે, ક્યારેક સામાજિક કામે જનારા લોકો ટાઈમ ના સાચવી શકે, ક્યારેક મુંબઈ યાત્રિકોની રેલવે છુટી જાય એવી બધી દ્વિધાઓને લઈ આ બસ શરૂ કરવા માટે નગરજનોએ સ્થાનિક ધારાસભ્યથી લઈ મહેસાણા ડીવીઝનમાં, બેચરાજી એસટી ડેપો અને સરકાર સુધી અનેક વખત રજૂઆતો કરી છતાંય આ બસ શરૂ કરવા બાબતે હજુ કોઈ નિરાકરણ આવ્યું નથી. બસ નહીં શરૂ થતાં આમ લોકો હેરાન પરેશાન છે ત્યારે આ બસને ત્વરિત ફરી શરૂ કરવા માંગ વધુ પ્રબળ બની છે.