World Diabetes Day: ફાસ્ટ ફૂડનુ વધતુ ચલણ તેમજ બેઠાડું જીવન શૈલીના કારણે ભારતીયોમાં ડાયાબિટીસનું પ્રમાણ વધી રહ્યું છે. દેશમાં દિલ્હી- ચંદીગઢ સહિત સહિતના રાજ્યોમાં ડાયાબિટીસ સૌથી વધુ છે. જેમાં ગુજરાત ડાયાબિટીસના કેસોની સંખ્યામાં દેશમાં ટોપ-5માં છે. ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં ડાયાબિટીસનું પ્રમાણ 12 ટકા આસપાસ છે, ત્યારે શહેરોમાં 18 ટકાની આસપાસ છે.
દર લાખમાંથી ત્રણ બાળકોને ડાયાબિટીસ
ટાઈપ-1ના કેસોમાં અગાઉ દર એક લાખે એક બાળકમાં ડાયાબિટીસ આવતું હતું. પરંતુ હવે ત્રણ બાળકોને ટાઈપ-1 ડાયાબિટીસ થાય છે. હાલ ભારતમાં 7.4 કરોડથી વધુ લોકો ડાયાબિટીસ સાથે જીવી રહ્યા છે અને 2045માં આ દર વધવાની ભીતિ છે.
86 ટકા લોકો ડિપ્રેશનમાં
દરવર્ષે 14 નવેમ્બરના રોજ વર્લ્ડ ડાયાબિટીસ ડે તરીકે ઉજવાય છે. જેના ભાગરૂપે ઈન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશન દ્વારા ડાયાબિટીસના દર્દીઓની માનસિક સ્થિતિ અંગે સર્વે હાથ ધરાયો હતો. જેમાં ડાયાબિટીસના 86 ટકા દર્દીઓ ડિપ્રેશનમાં છે, જ્યારે 61 ટકા લોકો સાથે ભેદભાવ થઈ રહ્યો હોવાનું જાણવા મળ્યું છે.
આ વર્ષે 9 સપ્ટેમ્બરથી 9 ઓક્ટોબર સુધી માનસિક સ્થિતિ પર આધારિત થીમ પર ડાયાબિટીસના દર્દીઓનો ઓનલાઈન સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વેના તારણો મુજબ ભારતમાં ડાયાબિટીસના દર્દીઓમાંથી 76 ટકા લોકોને ડાયાબિટીસ સાથેના કોમ્પિલેકેશન્સ વધવાનો ડર છે અને 72 ટકા ડેઈલી મેનેજમેન્ટમાં મુશ્કેલી અનુભવે છે જ્યારે 65 ટકા હેલ્થકેર પ્રોફેશનલ્સની મદદ લે છે.
પુરૂષોની તુલનાએ મહિલાઓને વધુ ટેન્શન
સર્વે મુજબ ડાયાબિટીસ સાથે જીવતી 90 ટકા મહિલાઓ ડિપ્રેશનનો ભોગ બની છે. જ્યારે પુરૂષોમાં ચિંતા-તણાવનું પ્રમાણ 84 ટકા છે. ઈન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશનના સાઉથ ઈસ્ટ એશિયા રીજનના ચેરમેન ડૉ.બંસી સાબુએ જણાવ્યુ હતું કે આજે ગુજરાત સહિત દેશભરમાં અને વિશ્વમાં ઓટો ઈમ્યુન ડિસીઝમાં ખૂબ જ વધારો થયો છે. જેના લીધે થાઈરોડ-ડાયાબિટીસ અને ખાસ કરીને ટાઈપ-1 ડાયાબિટીસનું પ્રમાણ વધ્યુ છે. 5.9 કરોડથી વધુ લોકો ડાયાબિટીસને લઈને તેમની માનસિક સ્થિતિને જાળવી રાખવામાં બોજ અનુભવે છે. ડાયાબિટીસ કંટ્રોલમાં ન આવતા હવે દર્દીઓ માનસિક સંતુલન માટે સાયકોલોજીસ્ટ-થેરાપિસ્ટનો પણ સહારો લઈ રહ્યા છે.