રેકર્ડબ્રેક 900 થી વધુ વાહનોની કતારો લાગી : હરાજીમાં મગફળીની ગુણીના રૂા. 800 થી 2250નો ભાવ બોલાયો : અન્ય રાજ્યોમાંથી વેપારીઓ મગફળીની ખરીદી માટે ઉમટયા
જામનગર, : હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળી ઉતારવાનું શરૂ કરાયું છે. રેકર્ડ બ્રેક 900 વાહનો આવતા મગફળી ભરેલા વાહનોની કતારો લાગી હતી. ગત રાત્રિનાં 10 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધીમાં અંદાજે 80,000 મગફળીની ગુણી ઉતારી લેવાઇ છે. યાર્ડમાં આજે હરાજીની પ્રક્રિયાઓ શરૂ થતાં મગફળીની ગુણીનો 800થી 2250નો ભાવ બોલાયો છે.
જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં ગઈકાલે રાતે 10 વાગ્યા થી આજે વહેલી સવારે પાંચ વાગ્યા સુધી મગફળીની ગુણી ઉતારવાનું કામ શરૂ કરાયું છે, અને રેકોર્ડબ્રેક 900 થી વધુ વાહનોમાં ખેડૂતો પોતાનો મગફળી લાવ્યા છે, જે તમામને ટોકન અપાયા હતા, અને સવારે 5 વાગ્યા સુધીમાં તમામ વાહનો માંથી મગફળી ઉતારી લેવાઇ છે, અને અંદાજે 80,000 મગફળીની ગુણી ઉતારી લેવાઇ છે. આજે હરાજીની પ્રક્રિયા શરૂ થઈ હતી, જે દરમિયાન મગફળીની ગુણી ના 800 રૂપિયાથી 2250 રૂપિયા સુધીનો ભાવ બોલાયો હતો.
જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડ માં રાત્રિના 10 થી સવારે 5 સુધી મગફળી ની આવક ખોલવામાં આવી હતી, અને સવારે 6 વાગ્યા સુધી આવેલ વાહનોને ટોકન આપવામાં આવ્યા હતા. ત્યારપછી આવક બંધ કરવામાં આવી છે. જે દરમિયાન રેકોર્ડબ્રેક 900 મગફળી ના વાહનો ને ટોકન આપવામાં આવ્યા હતા, જે પૈકી 650 વાહન ની ઉતરાઈ થઈ ચૂકી છે, અને બાકી ની ચાલુ છે.અંદાજિત 75000 થી 80000 ગુણી ની આવક ની સંભાવના છે. યાર્ડ માં જગ્યા હશે ત્યાર સુધી મગફળી ઉતારવામાં આવશે. આજે હરરાજી માં મગફળી ના ભાવ 900 થી 2250 નોધાયો છે, જે હરાજી હજુ ચાલુ રખાઈ છે.
હાપા યાર્ડમાં મગફળીના વેચાણ માટ ખેડૂતો સૌરાષ્ટ્રભરમાંથી આવે છે, એટલું જ નહીં હાલાર પંથકની મગફળીની ખૂબ જ સારી જાત હોવાના કારણે છેક તામિલનાડુથી વેપારીઓ અહીં મગફળીની ખરીદી અર્થે આવે છે. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા સિવાય રાજકોટ, મોરબી, અમરેલી વિસ્તારનાં જુદા જુદા તાલુકા મથકોમાંથી પણ ખેડૂતો પોતાની મગફળી લઇને અહીં વેચાણ અર્થે આવતા હોય છે, જેના કારણે મગફળીની જંગી આવક થઇ રહી છે.
‘આ તો બાઈટીંગનો માલ છે’ તેમ રૂપાલાએ કહેતા આગેવાનોમાં રમૂજ : અમરેલીમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ ખેડૂતોની મગફળી સહકારી સંસ્થાઓએ ખરીદી મૂલ્યવર્ધન માટે તેનું તેલ કાઢી વેચવાની ટકોર :
અમરેલી, : અમરેલીમાં માર્કેટીંગ યાર્ડ ખાતે આજરોજ ટેકાના ભાવે ખરીદવામાં આવેલી મગફળીના કાર્યક્રમમાં રાજકોટનાં સાંસદ પરસોતમ રૂપાલાએ ખેડૂતોની મગફળી સહકારી સંસ્થાઓએ ખરીદી તેનું તેલ કાઢીને વેંચવાની ટકોર કરી હતી તેમજ મગફળીનું નિરીક્ષણ કરી હાથમાં મગફળી લઈને ‘આ તો બાઈટીંગનો માલ છે’ તેમ કહેતાં આગેવાનોમાં રમૂજનું મોજુ ફરી વળ્યું હતું.
અમરેલી જિલ્લામાં પણ મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી હતી.જિલ્લામાં 10 કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે જેમાં આજે પ્રથમ દિવસે માત્ર એક કેન્દ્ર પર ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી હતી.જિલ્લાના સૌથી મોટા અમરેલી માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી હતી. આજે ૫૦ જેટલા ખેડૂતોને મગફળી વેચવા માટે બોલાવવામાં આવ્યા હતા જેમાંથી માત્ર ત્રણ ખેડૂતો જ વેચાણ માટે આવતા તેમની મગફળી ખરીદવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.
અંહી રાજકોટના સાંસદ પુરષોતમ રૂપાલાના હસ્તે મગફળીની ખરીદી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. તેણે પોતાના ભાષણ દરમિયાન સહકારી સંસ્થાઓને ટકોર કરી હતી કે,અત્યારે નોડલ એજન્સી તરીકે ખેડૂતો પાસેથી લઈને મગફળી સરકારને આપવી પડે છે તેના બદલે ખેડૂતોને મૂલ્યવર્ધનનો લાભ મળે તે માટે અમરેલીની સહકારી સંસ્થાઓ ભેગી થઈને આ મગફળી પિલીને તેલ કાઢવાનો પ્રયાસ કરવો જોઈએ તેવી ટકોર કરી હતી. બીજી તરફ મગફળીનું નિરીક્ષણ કરતા હાથમાં મગફળી લઈને પુરૂષોત્તમ રૂપાલાએ રમૂજ કરતા કહ્યું કે,આ તો બાઈટિંગ નો માલ છે. આવું કહેતા જ તેમની આસપાસ ઉભેલા નેતાઓ હસી પડયા હતા.